દિલ્હીથી ઝડપાયો હાથરસ દુર્ઘટનાનો મુખ્ય આરોપી, એક લાખ રૂપિયાનું હતું ઇનામ
Hathras Stemped: હાથરસમાં થયેલી ભયંકર દુર્ઘટનાએ 122 લોકોનો ભોગ લીધો હતો. સમગ્ર દેશ આ ઘટનાથી શોકગ્રસ્ત છે. ત્યારે આ દુર્ઘટનાના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની દિલ્હીના ઉત્તમ નગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. જો કે સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના વકીલ એપી સિંહે દાવો કર્યો છે કે મધુકરે યુપી પોલીસ અને STF સમક્ષ સરેંડર કર્યું છે. વકીલે કહ્યું કે મધુકર હૃદય રોગથી પીડિત છે. આથી તેણે પોલીસ સમક્ષ સરેંડર કર્યું છે.
વકીલે કર્યો આરોપીનો બચાવ
મધુકરની ધરપકડ અંગે ભોલે બાબાના વકીલ એપી સિંહે કહ્યું કે દિલ્હીની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જ્યારે તેની સ્થિતિ થોડી સ્થિર થઈ ત્યારે તેણે સરેંડર કરવા અંગે વિચાર્યું હતું. આ જ કારણ છે કે અત્યાર સુધી દેશની કોઈપણ કોર્ટમાં મધુકરને જામીન અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. યુપી પોલીસના STFને આ અંગે જાણ કરવામાં આવી હતી અને મધુકરને તેમની સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી પોલીસ કે અધિકારીઓ દ્વારા આ અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી.
બાબાનો મુખ્ય સેવક છે આરોપી
પોલીસના હાથે ઝડપાયેલો મધુકર ભોલે બાબાનો મુખ્ય સેવક છે. હાથરસ કાંડ બાદથી મધુકર ફરાર થઈ ગયો હતો. આ કારણસર તેની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) પણ જારી કરવામાં આવ્યું હતું. હાથરસના પોલીસ અધિકારીએ આ અંગે મીડિયા સાથે વાત કરતા એમ પણ કહ્યું હતું કે સત્સંગની પરવાનગી આયોજનના ઈન્ચાર્જ દેવ પ્રકાશ મધુકર (એન્જિનિયર)ના નામે માંગવામાં આવી હતી. હાથરસ પોલીસે FIRમાં મુખ્ય આરોપી તરીકે મધુકરનું નામનનું ઉલ્લેખ કર્યું હતું. તેના ફરાર થયા બાદ તેની ધરપકડ પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
બાબા મેનપુરીના આશ્રમમાં છુપાયો
હાથરસની ઘટના બાદ ભોલે બાબા ફરાર છે. પોલીસે તેની સતત શોધખોળ કરી રહી છે. આ માટે પોલીસે ઘણા આશ્રમોમાં દરોડા પાડ્યા હતા અને ઘણા લોકોની પૂછપરછ પણ કરી હતી, તેમ છતાં બાબા ક્યાં છુપાયો છે, તેની વિગતો મળી નહતી. જોકે હવે સૂત્રોના જણાવ્યા મુજબ ભોલે બાબા મેનપુરીના આશ્રમમાં છુપાઈને બેઠો છે. એવું કહેવાય છે કે, ઘટના બાદ બાબા ગાડીમાં સીધો આ જ સ્થળે ગયો છે.