'મારા ચરણની ધૂળ લઈ લો', બાબાના કારણે જ દોડ્યા હતા લોકો: હાથરસની પીડિતાએ વર્ણવી વ્યથા
Hathras Stempede: હાથરસમાં મચેલી નાસભાગમાં લગભગ 121 લોકોએ જીવ ગુમાવતાં સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઇ છે. આ મામલે પોલીસે ગઈકાલે 6 સેવાદારોની ધરપકડ કરી હતી પરંતુ ભોલે બાબા વિરુદ્ધ ન તો એફઆઈઆર થઇ કે ન તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધી હાથરસ પીડિતોની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. આજે તેમની હાથરસમાં પીડિતો સાથે મુલાકાત થઇ હતી. જ્યાં પીડિતોએ તેમને જણાવ્યું કે આ ભયંકર દુર્ઘટનામાં તેમના પરિવારજનોનો ભોગ કેવી રીતે લેવાયો હતો. દરમિયાન એક પીડિતાએ દાવો કર્યો હતો કે, નીકળતી વખતે બાબાએ લોકોને તેમના ચરણોની ધૂળ લેવા કહ્યું હતું. જે બાદ ધૂળ લેવાના ચક્કરમાં નાસભાગ મચી હતી.
પીડિતાએ જણાવી વ્યથા
હાથરસના એક પીડિત પરિવારની મહિલાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અમારાથી મળવા આવ્યા હતા ત્યારે અમે તેમને દુર્ઘટના કઇ રીતે ઘટી તે વિશે માહિતી આપી હતી. હકિકતમાં, નીકળતી વખતે બાબાએ કહ્યું હતું કે, મારા ચરણોની ધૂળ લઇ લો.... ધૂળ લેવાની લ્હાયમાં નાસભાગ મચી ગઇ હતી અને લોકો એકબીજા ઉપર દોડવા લાગ્યા હતા. કોઇને ખબર નહોતી કે કોણ કોના ઉપર પડ્યું કે કેવી રીતે તેમણે જીવ ગુમાવ્યો. જ્યારે અમને આ વિશે જાણ થઇ તો અમે મારી માતાને શોધવા ગયા. શોધતી વખતે અમને તેમનો મૃતદેહ કાદવમાં પડેલો મળ્યો હતો. જ્યારે અમે તેમને શોધી રહ્યા હતા ત્યારે અમે વિચારી રહ્યા હતા કે અમે આ મૃતદેહોના ઢગલામાં કેમ જઇ રહ્યા છે. મારી માતા જ અમારા ઘરનું ગુજરાન ચલાવતી હતી. મારા ભાઇઓનો ધંધો પણ ઠપ પડી ગયો છે. મારી માતા જે કમાવીને લાવતી હતી એનાથી જ અમે ગુજરાન ચલાવતા હતા.
ક્યાં ક્યાં પહોંચ્યા રાહુલ ગાંધી
અલીગઢના પીલખનામાં નાસભાગ પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને તેમની પીડાઓ જાણવાનો પ્રયાસ કર્યા બાદ રાહુલ ગાંધી હાથરસના નવીપુર ખુર્દ પહોંચ્યા હતા. અહીં તેમણે પીડિતોને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. રાહુલ ગાંધી સામે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સામે લોકસભા ચૂંટણી લડનારા દિગ્ગજ કોંગ્રેસી નેતા અજય રાય પણ હાજર હતા. રાહુલે પીડિત પરિવારો સાથેની મુલાકાતમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
વધુમાં વધુ વળતર આપવામાં આવેઃ રાહુલ ગાંધીની અપીલ
પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દુઃખ છે કે આટલા બધા પરિવારોનું નુકસાન થયું છે. વહિવટીતંત્ર એ બેદરકારી દાખવી, તેની તપાસ થવી જોઇએ. મુખ્યમંત્રીને મારી અપીલ છે કે પીડિતોને વધુમાં વધુ વળતર આપવામાં આવે. ઉપરાંત તેમણે કહ્યું કે, પીડિત પરિવારો માટે આ ખુબ જ કઠણ સમય છે. તેમને યોગ્ય વળતર સાથે દરેક સંભવિત સહાયતા આપવી જોઇએ.
80 હજાર લોકોની હાજરીની મંજૂરી લેવાઈ હતી
આ ઘટના સિકંદરારાઉ વિસ્તારના ફૂલરાઈ ગામમાં માનવ મંગલ મિલન સદભાવના સમિતિએ 150 વીઘાના ખુલ્લા મેદાનમાં સત્સંગનું આયોજન કર્યું હતું. પોલીસ એફઆઈઆર મુજબ, કાર્યક્રમમાં 80 હજાર લોકોની હાજરી માટે પરવાનગી લેવામાં આવી હતી અને ત્રણ ગણી વધુ એટલે કે 2.5 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. વ્યવસ્થા પણ બાબાના સેવકો અને આયોજક સમિતિ સાથે સંકળાયેલા લોકો સંભાળે છે. માત્ર 40 પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે હતા.