હાથરસ દુર્ઘટનાના SIT રિપોર્ટમાં બાબાને ક્લીનચિટ, દોષનો ટોપલો અધિકારીઓ ને આયોજન સમિતિ પર
Image : IANS |
Hathras Stampede: ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગની ઘટના અંગે SITએ 300 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે. બીજી જુલાઈએ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકો માર્યા ગયા હતા. એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે સત્સંગનું આયોજન કરતી સમિતિની બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે.
રિપોર્ટમાં 119 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા
આ ઉપરાંત વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે. જો કે રિપોર્ટમાં ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નથી. માહિતી અનુસાર, SITના આ રિપોર્ટમાં 119 લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તપાસ ટીમમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને અલીગઢના કમિશનર ચૈત્રા વી. સામેલ હતા. આ સિવાય સત્સંગમાં મૃતકોના સ્વજનો અને ઈજાગ્રસ્ત ભક્તોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ મંજૂરી કરતાં વધુ લોકોને બોલાવવા, અપૂરતી વ્યવસ્થા તેમજ પરવાનગી હોવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ ન કરવું, ઘટના માટે જવાબદાર છે.
આ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા
એસઆઈટીએ પોતાના તપાસ રિપોર્ટમાં પોલીસ અને વહીવટી અધિકારીઓને દોષિત ઠેરવ્યા છે. રિપોર્ટ અનુસાર પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ આ સત્સંગમાં સંભવિત ભીડને ગંભીરતાથી લીધી ન હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ યોગ્ય માહિતી આપવામાં આવી ન હતી. આ માટે SITએ પ્રશાસન અધિકારી SDM સિકન્દ્રા રાવ અને તહસીલદાર સિકન્દ્રા રાવને સીધો દોષી ઠેરવ્યા છે. તો પોલીસે સીઓ સિકન્દ્રા રાવ અને એસએચઓ સાથે સંબંધિત ચોકીના ઈન્ચાર્જને પણ જવાબદાર ગણ્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.
આ પણ વાંચો : હાથરસ નાસભાગની નવી થિયરી, 10-12 લોકોએ ઝેરી સ્પ્રે છાંટ્યો..ભોલે બાબાના વકીલનો દાવો
સત્સંગમાં નાસભાગમાં 121થી વધુના મોત
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના રોજ બાબાના સત્સંગ (Bhole Baba Satsang)માં થયેલી નાસભાગમાં 121થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે.