હું નીકળી ગયો હતો, તોફાની તત્ત્વોના કારણે નાસભાગ થઈ, હાથરસ દુર્ઘટનામાં ભોલે બાબાનું પહેલું નિવેદન
Hathras Stempede: હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગને કારણે 122 લોકોના મોત થયા હતા. હજુ પણ ઘણાં લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન જેમના સત્સંગમાં દુર્ઘટના થઇ એ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનું ઘટના અંગે પ્રથમ નિવેદન સામે આવ્યું છે. ભોલે બાબાએ એક નિવેદન જારી કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને દાવો કર્યો છે કે નાસભાગ અસામાજિક અને તોફાની તત્ત્વો દ્વારા કરાઈ હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગણી કરી હતી.
બાબાએ સંવેદના વ્યક્ત કરી
નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાએ તેમના વકીલ દ્વારા એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડૉ. એ.પી. સિંહને નાસભાગ મચાવનારા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. હું 2 જુલાઈના રોજ હાથરસના ફુલારી ગામ, સિકંદરરાવ ખાતે આયોજિત સત્સંગમાં દુર્ઘટના થઇ એ પહેલા જ સત્સંગમાંથી નીકળી ગયો હતો.
80 હજાર લોકોની હાજરીની મંજૂરી લેવાઈ હતી
આ ઘટના સિકંદરારાઉ વિસ્તારના ફૂલરાઈ ગામમાં માનવ મંગલ મિલન સદભાવના સમિતિએ 150 વીઘાના ખુલ્લા મેદાનમાં સત્સંગનું આયોજન કર્યું હતું. પોલીસ એફઆઈઆર મુજબ, કાર્યક્રમમાં 80 હજાર લોકોની હાજરી માટે પરવાનગી લેવામાં આવી હતી અને ત્રણ ગણી વધુ એટલે કે 2.5 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. વ્યવસ્થા પણ બાબાના સેવકો અને આયોજક સમિતિ સાથે સંકળાયેલા લોકો સંભાળે છે. માત્ર 40 પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે હતા.
કોના પર એફઆઈઆર થઈ?
આ ઘટનાના મુખ્ય આરોપી ઓર્ગેનાઈઝર અને સેવાદાર દેવપ્રકાશ મધુકર છે. તે સિકંદરારાઉનો રહેવાસી છે. તેમજ તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105, 110, 126 (2), 223, 238 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સવાલ એ છે કે આ અકસ્માત માટે જવાબદાર કોણ? 80 હજારની પરવાનગીમાં 2.5 લાખ લોકો કેવી રીતે આવ્યા? શું વહીવટીતંત્રને આ બાબતની જાણ ન હતી?
શું હતું કારણ?
એફઆઈઆર અનુસાર, કથિત રીતે ભોલે બાબા બપોરે 2 વાગ્યે તેમની કારમાં ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યાં જ્યાં બાબાની કાર પસાર થતી હતી ત્યાં તેમના અનુયાયીઓ ધૂળ એકઠી કરવા લાગ્યા હતા. થોડી જ વારમાં, લાખોની બેકાબૂ ભીડમાં નાસભાગ મચી ગઇ હતી અને ઘણા લોકો કચડાયા હતા જેમાં 121 લોકોના મોત તેમજ અન્યા ઘણા ઘાયલ થયા હતા.
સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો
હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ અરજી મોકલીને સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.