હાથરસ દુર્ઘટના: સૂટ-બૂટમાં પ્રવચન આપે છે ભોલેબાબા, અખિલેશ યાદવ જેવા મોટા નેતાઓ લગાવે છે હાજરી
Hathras Stampede: ઉત્તર પ્રદેશના હાથરસમાં જેમના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ તે બાબાનું સાચું નામ સૂરજ પાલ છે. પોતાના ઉપદેશમાં તેમણે દાવો કર્યો છે કે પહેલા તે પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગમાં કામ કરતા હતા. બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવા લાગ્યા. પ્રચાર ક્ષેત્રે આવ્યા પછી સૂરજપાલે પોતાનું નામ બદલીને સાકર વિશ્વ હરિ રાખ્યું છે. તેમને ભોલે બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંપરાગત કથાકારોથી વિપરીત, ભોલે બાબા થ્રી-પીસ સૂટમાં ઉપદેશ આપે છે. સત્સંગ દરમિયાન તેમની પત્ની પણ તેમની સાથે બેસે છે.
ભોલે બાબાના ભક્તો ઉત્તર ભારતમાં ફેલાયેલા છે
ભોલે બાબાને તેમના અનુયાયીઓ નારાયણ સાકાર હરિના નામે ઓળખે . તેઓ એટા જિલ્લાના પટયાલી તાલુકાના ગામ બહાદુર નગરના રહેવાસી છે. આશરે 26 વર્ષ પહેલા તેમણે સરકારી નોકરી છોડીને પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું. તેઓ પહેલા ગુપ્તચર બ્યુરોમાં કામ કરતા હતા. બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવામાં સક્રિય થયા. હાલ તેઓ પત્ની સાથે જ સત્સંગના કાર્યક્રમો કરે છે. તેમના સત્સંગમાં હજારો લોકો ભાગ લે છે. ભોલે બાબા ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સૌથી વધુ ભક્તો ધરાવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઘણા ભક્તો બાબાની કારની પાછળ પાગલોની જેમ દોડતા જોવા મળે છે.
બાબાની રાજકારણમાં મજબૂત પકડ
સાકર હરિ ઉર્ફે ભોલે બાબા રાજકારણમાં પણ મજબૂત પકડ ધરાવે છે. ગયા વર્ષે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવે પણ તેમના સત્સંગમાં હાજરી આપી હતી. તેણે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. ફોટોમાં અખિલેશ બાબાના પંડાલમાં બેઠેલા જોવા મળે છે. અખિલેશે અહીં ભાષણ પણ આપ્યું હતું. તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે, 'નારાયણ સાકર હરિને સમગ્ર બ્રહ્માંડમાં હંમેશ માટે વંદન કરવામાં આવે.'
ડ્રેસિંગ સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે બાબા
બાબા તેની ડ્રેસિંગ સ્ટાઈલ માટે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. ઉપદેશ આપનાર બાબા મોટાભાગે ધોતી-કુર્તા અથવા ભગવા કપડાં જેવા શુદ્ધ ભારતીય પોશાકમાં જોવા મળે છે, પરંતુ ભોલે બાબા ઉર્ફે સાકર વિશ્વ હરિ તેમના સત્સંગમાં સફેદ સૂટ, ટાઈ અને શૂઝમાં જોવા મળે છે. ઘણી વખત લોકો કુર્તા-પાયજામા અને માથા પર સફેદ ટોપી પહેરીને સત્સંગમાં આવે છે.
કોરોના કાળમાં પણ બેદરકારી જોવા મળી હતી
બે વર્ષ પહેલા જ્યારે દેશમાં કોરોનાની લહેર ચાલી રહી હતી ત્યારે મે, 2022માં ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં તેમના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે માત્ર 50 લોકોને જ સત્સંગમાં આવવાની પરવાનગી આપી હતી, પરંતુ કાયદાનો ભંગ કરીને 50,000થી વધુ લોકોએ સત્સંગમાં હાજરી આપી હતી. અહીં એકઠી થયેલી ભીડને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.
ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ અપાયા
આ ભયાવહ દુર્ઘટના પછી મુખ્યમંત્રી કાર્યાલયે પણ સંજ્ઞાન લીધું હતું. આ દરમિયાન અનેક લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત એડીજી આગરા અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં આ દુર્ઘટનાની તપાસના પણ આદેશ અપાયા છે. યોગી સરકારના નિર્દેશ પછી સરકારના બે વરિષ્ઠ મંત્રી અને મુખઅય સચિવ સાથે ડીજીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.