ભોલે બાબાના આશ્રમ પર પોલીસ મધ રાત્રે ત્રાટકી, ખાલી હાથે પરત, હાથરસ કાંડનો ગુનેગાર ક્યાં ગયો?
Hathras Stampede: ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસભાગમાં 121 લોકોના મોત થતા દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે, જ્યારે બાબા ભોલે ફરાર છે. જો કે તેમણે એક વકીલ થકી પત્ર જાહેર કરીને પહેલું નિવેદન પણ કરી દીધું છે. હવે મૈનપુરી પોલીસે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના આશ્રમ પર અચાનક અડધી રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એસપી સિટી, સીઓ ભોગાંવની સાથે પોલીસ ટીમ આશ્રમમાં પહોંચી હતી. આ પોલીસ ટીમ આશ્રમની અંદર લગભગ 1 કલાકથી વધુ સમય રહી હતી. અધિકારીઓ જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમણે કહ્યું કે, અમે માત્ર સુરક્ષા વ્યવસ્થા જોવા માટે આવ્યા હતા. બાબા અંદર નથી. બાબા અંદર નથી. અંદર 50 થી 60 સ્ત્રી-પુરુષ ભક્તો છે, જેઓ સામાન્ય રીતે આ આશ્રમમાં આવતા હોય છે.
પોલીસને પૂછવામાં આવ્યું કે શું પોલીસ હાથરસની ઘટનાના ઓળખ થઈ ગયેલા આરોપીઓની પૂછપરછ માટે કે બાબાની પૂછપરછ કરવા માટે ગઈ હતી? ત્યારે પોલીસે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. મૈનપુરી પોલીસ દ્વારા મોડી રાત્રે કરાયેલા દરોડા અને આશ્રમમાં તેમના એક કલાકથી વધુ સમય સુધી રોકાવું જેવી બાબતો ઘણા સવાલો ઊભા કરી રહી છે.
હાથરસમાં થયેલી દુર્ઘટના બાદથી જ બાબાના આશ્રમ પર ચારેય બાજુ પોલીસ તેહનાત છે તો પછી અડધી રાત્રે પોલીસ કઈ સુરક્ષાનો તાગ મેળવવા માટે આવી હતી? પોલીસે એ માન્યું કે, આશ્રમમાં મહિલા શ્રદ્ધાળુ પણ હતી પરંતુ પોલીસની ટીમમાં કોઈ મહિલા પોલીસ કર્મચારી નહોતા. હાથરસ કાંડમાં પોલીસ તરફથી નોંધાવામાં આવેલી FIRમાં લખવામાં આવ્યું કે, બાબાના સુરક્ષા ગાર્ડે પબ્લિકને ધક્કો મારવાનું શરૂ કર્યું જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. તો શું મંગળવારે બાબાની સુરક્ષામાં તેહનાત એ સુરક્ષાકર્મીની પૂછપરછ કરવા અથવા તેમની ધરપકડ માટે પોલીસની ટીમ દરોડા પાડવા પહોંચી હતી? શું હાથરસ કાંડમાં ઓળખ થઈ ગયેલા બાબાના ભક્ત આયોજનકર્તાની તલાશમાં દરોડા પાડવામાં આવ્યા હતા?
વર્ષ 2000માં પોલીસે બાબાની કરી હતી ધરપકડ
સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાની વર્ષ 2000માં આગરામાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ડિસેમ્બર 2000માં FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે સૂરજપાલ સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. પુરાવાના અભાવે તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સાકર હરિ ઉર્ફે સૂરજપાલ ભોલે બાબાને કોઈ સંતાન ન હતું.
બાબાએ એક બાળકીને દત્તક લીધી હતી જે કેન્સરથી પીડિત હતી. એક દિવસ જ્યારે તે સવારે અચાનક બેહોશ થઈ ગઈ તો ભોલે બાબાના અનુયાયીઓએ કહ્યું કે ભોલે બાબા તેને સ્વસ્થ કરી દેશે. અચાનક થોડા સમય પછી તે હોશમાં આવી અને થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ ગયું. મૃતદેહને મલ્લના ચબૂતરા સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેમના અનુયાયીઓ એ વાત પર અડગ હતા કે ભોલે બાબા આવશે અને બાળકીને જીવિત કરશે.