બાબાનો કાફલો નીકળ્યો અને ધૂળ લેવા લોકો ભાગ્યાં: હાથરસ દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શીનો દાવો
Hathras Stampede: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ કાર્યક્રમ દરમિયાન થયેલી ભાગદોડમાં 120થી વધુ લોકોના મોત થયા છે. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. યુપી સરકારના બે મંત્રીઓ અને તમામ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ત્યારે પ્રત્યક્ષદર્શીઓએ આ અકસ્માતનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે સત્સંગ પૂરો થયા પછી સંત ભોલે બાબાનો કાફલો જેવો પસાર થયો, લોકોએ તેમના કપાળ પર બાબાના પગની ધૂળ લગાવવાનો પ્રયાસ કર્યો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને ઢગલાબંધ લોકો ભીડથી કચડાઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યો મુખ્ય કારણ
ફુલવાઈ ગામમાં હાઈવેને અડીને આવેલી જગ્યા પર મંગળવારે સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગમાં હજારો લોકો આવ્યા હતા. સત્સંગ પછી ભોલે બાબા પાછા જવા લાગ્યા. તેમના હજારો ભક્તો તેમની પાછળ આવ્યા અને તેમના પગની ધૂળ તેમના કપાળ પર લગાવવાનો પ્રયાસ કર્યો હતો. કાળઝાળ ગરમી અને ભેજના કારણે લોકોની હાલત કફોડી બની હતી. આ દરમિયાન ભીડમાં નાસભાગ મચતા ઘણી મહિલાઓ અને બાળકો જમીન પર પડી ગયા હતા અને ભીડે તેમને કચડી નાખ્યો હતો. જેના કારણે ઘણા લોકો ગૂંગળામણ અને કચડાઈ જવાને લીધે મૃત્યુ પામ્યા હતા.
ભોલે બાબાના ભક્તો ઉત્તર ભારતમાં ફેલાયેલા છે
ભોલે બાબાને તેમના અનુયાયીઓ નારાયણ સાકાર હરિના નામે ઓળખે . તેઓ એટા જિલ્લાના પટયાલી તાલુકાના ગામ બહાદુર નગરના રહેવાસી છે. આશરે 26 વર્ષ પહેલા તેમણે સરકારી નોકરી છોડીને પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું. તેઓ પહેલા ગુપ્તચર બ્યુરોમાં કામ કરતા હતા. બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવામાં સક્રિય થયા. હાલ તેઓ પત્ની સાથે જ સત્સંગના કાર્યક્રમો કરે છે. તેમના સત્સંગમાં હજારો લોકો ભાગ લે છે. ભોલે બાબા ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સૌથી વધુ ભક્તો ધરાવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઘણા ભક્તો બાબાની કારની પાછળ પાગલોની જેમ દોડતા જોવા મળે છે.
ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ અપાયા
આ ભયાવહ દુર્ઘટના પછી મુખ્યમંત્રી કાર્યાલયે પણ સંજ્ઞાન લીધું હતું. આ દરમિયાન અનેક લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત એડીજી આગરા અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં આ દુર્ઘટનાની તપાસના પણ આદેશ અપાયા છે. યોગી સરકારના નિર્દેશ પછી સરકારના બે વરિષ્ઠ મંત્રી અને મુખઅય સચિવ સાથે ડીજીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.