હાથરસ દુર્ઘટના: પંડાલથી લઈને હોસ્પિટલ સુધી તંત્રની બેદરકારી, ટેમ્પોમાં લઈ જવાયા મૃતદેહો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
હાથરસ દુર્ઘટના: પંડાલથી લઈને હોસ્પિટલ સુધી તંત્રની બેદરકારી, ટેમ્પોમાં લઈ જવાયા મૃતદેહો 1 - image


Hathras Stempede: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આયોજિત ભોલે બાબાના સત્સંગ (Bhole Baba Satsang)માં થયેલી નાસભાગમાં 120થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. જો કે, આ દુર્ઘટના સમયે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મીડિયા અહેવાલ મુજબ, ઘટના બાદ ઘણાં સમય સુધી ના કોઇ ઉચ્ચ અધિકારી કે ના કોઇ સિનિયર ડોક્ટર ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. ઘણાં સમય સુધી સત્સંગ પંડાલમાં લોકોના મૃતદેહો પડ્યા રહ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને ટેમ્પો અને અન્ય ગાડીઓ મારફતે શબ ઘર પહોંચાડવામાં આવ્યા હતા. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સના અભાવે ઘણાં લોકોના મોત થયા હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે તેમજ મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની આશંકા છે. 

પ્રત્યક્ષદર્શીઓએ તંત્રની બેદરકારી જણાવી

સત્સંગ દરમિયાન હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તંત્ર એ ઘોર બેદરકારી દાખવી છે. તેણે કહ્યું કે, મેં SDMને જણાવ્યું હતું કે અહીં 3 કલાકથી લાઇટ નથી પરંતુ કોઇએ આ બાબત પર ધ્યાન ન આપ્યું. ઘણા સમય સુધી ઘટનાસ્થળ પર કોઇ પણ ડોક્ટર, એમ્બ્યુલન્સ કે મૃતદેહો લઇ જનારા આવ્યા ન હતા. અન્ય એકે જણાવ્યું કે, ઘટના બાદ ત્યાં ફક્ત એક જ ડોક્ટર હતો. ઉપરાંત કોઇ પોલીસ અધિકારી કે મંત્રી ઘટનાસ્થળ પર આવ્યા ન હતા.

પ્રત્યક્ષદર્શીએ નાસભાગ થવાનું કારણ જણાવ્યું 

બાબા ભોલેનો સત્સંગ ખતમ થઈ ગયો હતો. ત્યાર પછી અનેક લોકો એક નાનકડા હૉલમાંથી એકસાથે બહાર નીકળી રહ્યા હતા. એટલું જ નહીં, તેનો પ્રવેશદ્વાર પણ નાનો હતો. ત્યારે પહેલા બહાર નીકળવાની લ્હાયમાં ધક્કામુક્કી થઈ અને મામલો બિચક્યો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. 

ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ અપાયા 

આ ભયાવહ દુર્ઘટના પછી મુખ્યમંત્રી કાર્યાલયે પણ સંજ્ઞાન લીધું હતું. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત એડીજી આગરા અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં આ દુર્ઘટનાની તપાસના પણ આદેશ અપાયા છે.  યોગી સરકારના નિર્દેશ પછી હાલ સરકારના બે વરિષ્ઠ મંત્રી અને મુખ્ય સચિવ સાથે ડીજીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 


Google NewsGoogle News