પોસ્ટર ફાડ્યું, ઈંટ-પથ્થર-ચપ્પલો ફેંકીને મારી...121 લોકોના મોત બદલ ભોલે બાબા સામે લોકોનો રોષ
Hathras Tragedy: હાથરસમાં બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકોના મોત થઈ ચુક્યા છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બુધવારે (ત્રીજી જુલાઈ) ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ મુખ્ય દ્વાર પર બાબાના પોસ્ટર પર ઈંટો, પથ્થરો અને ચપ્પલ ફેંક્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓમાં ઘટનાસ્થળે પહોંચીને લોકોને સમજાવીને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. નોધનીય છે કે, બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
પોસ્ટરમાં લખ્યું હતું કે 'સોચ કર દેખો, સાથ ક્યાં જાયેગા?'
બાબાના સત્સંગનું આયોજન છેલ્લા કેટલાંય દિવસથી ચાલી રહ્યું હતું. જેને લઈને અનેક વિસ્તારોમાં તેના પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતા. જેમાં લખ્યુ હતું કે, 'સોચ કર દેખો, સાથ ક્યાં જાયેગા?' પરંતુ સત્સંગમાં હાજર રહેનારા લોકોને ક્યાં કઈ ખબર હતી કે તેમનું આ સત્સંગમાં આવવું દુનિયામાંથી જવાનું કારણ બની જશે. મળતી માહિતી પ્રમાણે, તંત્રને બાબાના આ કાર્યક્રમની જાણકારી હતી, પરંતુ કેટલાક શ્રદ્ધાળુઓ સત્સંગમાં આવશે તેનો કોઈ અંદાજ ન હતો. જ્યારે સત્સંગમાં સવા લાખથી વધુ લોકો આવ્યાં હતા.
આ પણ વાંચો: હાથરસ દુર્ઘટના મામલે તંત્રની કાર્યવાહી, સત્સંગના આયોજકો સામે FIR પણ ભોલે બાબાનું નામ નહીં
ભલભલાના રુવાડાં ઊભા કરી દે તેવો નજારો
આ ઘટનામાં હાથરસ સહિતના વિસ્તારોના દવાખાના અને હોસ્પિટલોના દૃશ્યો ભલભલાના રુવાડાં ઊભા કરી નાખે તેવો હતો. દરેક જગ્યાએ લોકોના મૃતદેહ પડેલા હતા. જે લોકો બચી ગયા હતા તે પોતાના સ્વજનોની શોધ કરી રહ્યાં હતા. જમીન પર પડેલા મૃતદેહ જોઈને લોકો ચોંકી ઉઠ્યાં હતા. આ સ્થિતિમાં રવિ યાદવ નામના એક પોલીસકર્મીનું હાર્ટએટેકથી મોત થયું હતું.