કોણ છે આ ભોલે બાબા? જેમના સત્સંગમાં 120થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ
Hathras Stempede: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં હાથરસના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલરાઈ ગામમાં આયોજિત ભોલે બાબાના સત્સંગ(Bhole Baba Satsang)માં ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 120થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 100થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની આશંકા છે. ત્યારે સવાલ થાય છે કે, જેમના સત્સંગમાં આટલી મોટી દુર્ઘટના થઇ એ ભોલે બાબા કોણ છે?
કોણ છે સંત ભોલે બાબા?
સંત ભોલે બાબા મૂળ કાંશીરામ નગર (કાસગંજ)ના પટિયાલી ગામના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, બાળપણમાં તેઓ તેમના પિતા સાથે ખેતીકામ કરતા હતા. જ્યારે તેઓ યુવાન થયા ત્યારે તેઓ પોલીસમાં જોડાયા. રાજ્યના ડઝનબંધ પોલીસ સ્ટેશનો ઉપરાંત ઈન્ટેલિજન્સ યુનિટમાં તેમને પોસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ 18 વર્ષની સેવા પછી તેમણે VRS લીધું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના ગામમાં એક ઝૂંપડીમાં રહે છે અને લોકોને ભગવાનની ભક્તિનો પાઠ શીખવવા માટે ઉત્તર પ્રદેશ અને નજીકના રાજ્યોમાં ફરે છે.
'મારા કોઇ ગુરુ નથી': બાબા ભોલે
સંત ભોલે બાબાના કહેવા પ્રમાણે, તેમના કોઈ ગુરુ નથી અને તેમને ભગવાન માટે અપાર પ્રેમ છે. એકવાર મને આ અંગે ખ્યાલ આવ્યો તે પછી મેં મારું આખું જીવન માનવ કલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે. સંત ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે.
કોરોના કાળમાં પણ બેદરકારી જોવા મળી હતી
બે વર્ષ પહેલા જ્યારે દેશમાં કોરોનાની લહેર ચાલી રહી હતી ત્યારે મે, 2022માં ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં તેમના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે માત્ર 50 લોકોને જ સત્સંગમાં આવવાની પરવાનગી આપી હતી, પરંતુ કાયદાનો ભંગ કરીને 50,000થી વધુ લોકોએ સત્સંગમાં હાજરી આપી હતી. અહીં એકઠી થયેલી ભીડને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.
દુર્ઘટનાનું કારણ શું છે?
આ કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજકોએ આ કાર્યક્રમ માટે પરવાનગી માંગી હતી. પરંતુ આ કાર્યક્રમમાં ભક્તોની સંખ્યા અંગે વહીવટી તંત્રને જે માહિતી આપવામાં આવી હતી તેના કરતા વધુ ભક્તો હાજર રહ્યા હોવાથી દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.