વિદેશ ભાગી ગયેલો રેવન્ના JDSમાંથી સસ્પેન્ડ, સેક્સ સ્કેન્ડલના 2,976 વીડિયોની SIT તપાસ શરૂ
Image : IANS |
Lok Sabha Elections 2024: પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડા (H. D. Deve Gowda)ના પૌત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્ના (H.D. Revanna)ના પુત્ર પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) પર દુષ્કર્મ, સેક્સ વીડિયો રેકોર્ડિંગ, ધાકધમકી અને ષડયંત્ર જેવા આરોપો છે. ત્યારે હવે જેડી(એસ) (JD(S)) પાર્ટીએ તેમના પર કાર્યવાહી કરતા જ્યાં સુધી મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું : જી.ટી. દેવગૌડા
આ ઉપરાંત પાર્ટી દ્વારા પ્રજ્વલ રેવન્નાને કારણ બતાવો નોટિસ પણ મોકલવામાં આવી છે. પાર્ટીના કોર કમિટીના સભ્ય જી.ટી. દેવગૌડા (G.T. Deve Gowda)એ કહ્યું કે 'રાજ્ય સરકારે આ મામલે એસઆઈટી (SIT)ની રચના કરી છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ. અમે આ મામલે જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી કોઈ નિવેદન આપીશું નહીં. અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું.
બંને કેસ એસઆઈટીને સોંપવામાં આવ્યા
આ મામલે કર્ણાટકના હાસનમાં બે કેસ નોંધાયેલા છે. એક કેસ એચડી રેવન્ના સામે અને બીજો તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે છે. નવીન ગૌડા સામે અન્ય એક કેસ પણ નોંધાયેલો છે. હવે આ બંને કેસ કર્ણાટક સરકારના આદેશ પર તપાસ માટે એસઆઈટીને સોંપવામાં આવ્યા છે.
રેવન્ના જર્મની ભાગી ગયા
નોંધનીય છે કે રેવન્નાનો કથિત અશ્લીલ વીડિયો જાહેર થયા બાદ તે શનિવારે સવારે જ જર્મની ભાગી ગયા હતા. જો કે રેવન્નાએ દાવો કર્યો છે કે તેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવ્યું છે અને આ વીડિયો તેની ઈમેજને ખરાબ કરવા માટે જાહેર કરવામાં આવી રહ્યો છે.
કોણ છે પ્રજ્વલ રેવન્ના?
પ્રજ્વલ રેવન્ના પૂર્વ પીએમ એચ. ડી. દેવગૌડાના પૌત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર છે. તેઓ હસન બેઠક પરથી સાંસદ છે અને આ વખતે પણ પાર્ટીએ તેમને હસન લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.