મણિપુરમાં ફરી પરિસ્થિતિ બેકાબૂ: CM સહિત સાત ધારાસભ્યોના ઘર પર હુમલો, ઈન્ટરનેટ બંધ-કર્ફ્યૂ લાગુ
Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. મૈતેઈ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઈમ્ફાલના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રીના આવાસમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન 7 ધારાસભ્યોના ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ ચર્ચ પર પણ હુમલો કર્યો હતો. મણિપુરમાં મોટી સંખ્યામાં સેના અને અન્ય સુરક્ષા દળો હાજર હોવા છતાં આ બધું થયું. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ સમયે શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
હવે સવાલ એ ઊભો થાય છે કે મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી તંગદિલી પરિસ્થિતિ વચ્ચે અચાનક એવું શું બન્યું કે લોકો ગુસ્સે થઈ ગયા. અહેવાલો અનુસાર, 11મી નવેમ્બરે મણિપુરની ઈમ્ફાલ ઘાટીમાં મહિલાઓ અને બાળકો સહિત એક જ પરિવારના છ સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ ગુમ થયેલા લોકોના મૃતદેહ આસામ સાથેની રાજ્યની સરહદ પર એક નદીમાંથી મળી આવ્યા છે. મૈતેઈ સમુદાયના લોકોને આ અંગેની માહિતી મળતા જ ગુસ્સે ભરાયા હતા.
આ પણ વાંચો: અમેરિકાએ ભારતને પરત કરી 10 મિલિયન ડોલરની કિંમતની 1400 પ્રાચીન કલાકૃતિઓ, જાણો તેનો ઈતિહાસ
ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી
રસ્તા પર નીકળેલા લોકોએ વાહનોને આગ ચાંપી દીધી હતી. ઈમ્ફાલમાં અનેક ધારાસભ્યોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. મણિપુરના સાત પ્રભાવિત જિલ્લાઓમાં ઈન્ટરનેટ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. આ એવા જિલ્લાઓ છે જ્યાં મૈતેઈ સમુદાય બહુમતી છે. આ ઉપરાંત આસપાસના પહાડી વિસ્તારોમાં આદિવાસી કુકીઓ બહુમતીમાં છે. કુકી સમુદાય દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
બે દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો
મુખ્યમંત્રી નોંગથોમ્બમ બિરેન સિંહના જમાઈ રાજકુમાર ઈમો સિંહ એ ધારાસભ્યોમાં સામેલ હતા જેમના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે ઈમ્ફાલની બહારના સીએમના ખાનગી નિવાસસ્થાન પર પણ ટોળા દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે સાંજે 4:30 વાગ્યાથી બે દિવસ માટે કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. લોકોએ માંગ કરવાનું શરૂ કર્યું કે જો સરકાર શાંતિ સુનિશ્ચિત કરવામાં અને મહિલાઓ અને બાળકોના હત્યારાઓને સજા કરવામાં અસમર્થ હોય તો રાજીનામું આપે.