કોંગ્રેસમાં ફરી પરિવારવાદ! હરિયાણાની ત્રીજી યાદીમાં સુરેજવાલાના દીકરાને ટિકિટ, જાણો કોણ ક્યાંથી લડશે?
Haryana Congress Candidates List | હરિયાણામાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે કોંગ્રેસે પણ તેના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ કોંગ્રેસે 41 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કુલ 49 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરવાની છે પણ 9 બેઠકો પર હજુ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે અને જલદી જ તેના પર નિર્ણય લેવાશે.
સુરજેવાલાના દીકરાને ક્યાંથી મળી ટિકિટ?
પાર્ટીએ એક વ્યૂહરચના હેઠળ અસંતોષ અને બળવાની શક્યતાઓને ઘટાડવા માટે વિલંબ કરીને ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જોકે મહત્ત્વપૂર્ણ એ છે કે આ દરમિયાન ફરી એકવાર પરિવારવાદની ઝલક દેખાઈ આવી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાના દીકરા આદિત્ય સુરજેવાલાને કૈથલની ટિકિટ અપાઈ છે. નોમિનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. એટલા માટે બાકી ઉમેદવારોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે.
કુલ 81 ઉમેદવારો જાહેર કરી દીધા...
બુધવારે કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં રણદીપ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાને કૈથલ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદી સાથે કોંગ્રેસે 90 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે કુલ 81 ઉમેદવારોની જાહેરાત કરી છે. જો કે, પક્ષે નવ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી, કારણ કે આ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પણ ટિકિટ વહેંચણીને લઈને આંતરિક મતભેદો સામે ઝઝૂમી રહી છે. કોંગ્રેસે 49 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ તે પછી માત્ર 40 બેઠકો પર જ ઉમેદવારોની જાહેરાત કરી શકી છે.