ભાજપ શાસિત આ રાજ્યએ અનુસૂચિત જાતિ(SC)નું વર્ગીકરણ કર્યું, જાણો કેવી રીતે મળશે અનામત
Haryana SC Reservation: હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે બુધવારે વિધાનસભામાં અનુસૂચિત જાતિને આપવામાં આવતી અનામતને હવે રાજ્યમાં વર્ગીકૃત કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ આ માહિતી આપતાં કહ્યું હતું કે આનો લાભ તે ગરીબ દલિત સમુદાયને મળશે જેઓ અત્યાર સુધી લાભથી વંચિત છે. આ આદેશની વિગતવાર માહિતી હરિયાણાના મુખ્ય સચિવની વેબસાઇટ પર આપવામાં આવી છે. આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં અનામતનો અમલ કેવી રીતે થશે અને કોને મળશે તે જણાવવામાં આવ્યું છે.
અનુસુચિત જાતિને અનામત બે હિસ્સામાં વહેંચાઈ
હરિયાણા સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ગીકરણ નોકરીઓમાં અનામતનો લાભ આપવા માટે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિને મળતી અનામતને બે ભાગમાં વહેંચવામાં આવશે. રાજ્યમાં અનુસૂચિત જાતિ વર્ગને કુલ 20 ટકા અનામત મળે છે. હવે તેને બે સરખા ભાગમાં વહેંચવામાં આવશે. પ્રથમ 10 ટકા અનામત વંચિત અનુસૂચિત જાતિઓને આપવામાં આવશે અને બીજી 10 ટકા અનામત અન્ય અનુસૂચિત જાતિઓને આપવામાં આવશે.
વધુ પછાત દલિત વર્ગને ફાયદો
દલિત વર્ગમાં વધુ પછાત જાતિઓને 10 ટકા અનામત મળશે અને આ ક્વોટા અનુસૂચિત જાતિ માટે નક્કી કરાયેલા કુલ 20 ટકા ક્વોટામાંથી જ આપવામાં આવશે. જો કે, વંચિત અનુસૂચિત જાતિ માટે નિશ્ચિત ક્વોટામાં બેઠકો ખાલી રહી તો તે અન્ય અનુસૂચિત જાતિઓને આપવામાં આવશે. અનામતની આ રીત રાજ્ય સરકારની નોકરીઓ, સ્થાનિક નિગમો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે લાગુ થશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ક્વોટામાં વર્ગીકરણ કરનાર હરિયાણા પ્રથમ રાજ્ય બનશે.