INLD નેતા નફેસિંઘની હત્યામાં સંડોવાયેલા મનાતા 2 શાર્પ શૂટર્સની ગોવામાંથી ધરપકડ
- 25 ફેબ્રુઆરીએ નફેસિંઘ અને તેમના સહકાર્યકર જયકીશનની ધોળે દીવસે હરિયાણાના જજ્જાર જીલ્લાનાં બહાદૂરગઢમાં ગોળીઓ વરસાવી હત્યા થઇ હતી
ચંડીગઢ, નવી દિલ્હી : ઇન્ડીયન નેશનલ લોકદળ (આઈએનએલડી) એના હરિયાણા પ્રદેશ પ્રમુખ નફે સિંઘ રાઠીની તા. ૨૫મી ફેબ્રુઆરીએ હરિયાણાના જજ્જાર જીલ્લાના બહાદૂરગઢ પાસે થયેલી હત્યામાં સંડોવાયેલા મનાતા બે શખ્સોની હરિયાણા પોલીસે ગોવા પોલીસની સહાયથી ગોવામાંથી ધરપકડ કરી છે.
તે સર્વવિદિત છે કે નફેસિંઘ રાઠી અને તેમના પક્ષના સહકાર્યકર જયકીશનની તા. ૨૫ ફેબ્રુઆરીએ ધોળે દીવસે તેઓની કાર ઉપર ગોળીઓનો વરસાદ વરસાવી હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યા કરનારા બંને હત્યારાઓ આશિષ અને સૌરભની ઉત્તર ગોવામાં આવેલી એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓને આજે બપોરે દિલ્હી પણ લઇ જવાયા હતા.
વરિષ્ટ પોલીસ અધિકારીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આશિષ, સૌરભ, નકુળ અને અતુલ તે ચારેયે તા. ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે રાઠીની મોટર ઉપર ગોળીઓનો વરસાદ વરસાવતાં રાઠી અને તેમના સાથી જયકીશનનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં.
આ હત્યા પછી પોલીસે સઘન તપાસ હાથ ધરતાં આ હત્યારાઓ પૈકી બે ગોવામાં આવેલી એક હોટેલમાં ઉતર્યા હતા. જ્યાંથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
તે પછી પોલીસને જાણવા મળ્યું હતું કે દિલ્હીના નંગલોઈ વિસ્તારમાં રહેતા આશિષ અને સૌરભ બંને યુકે સ્થિત ગેંગસ્ટર કપિલ સંગવાન સાથે જોડાયેલા છે. આ કપિલ સંગવાને તો મિડીયા પોસ્ટ દ્વારા તે હત્યાની જવાબદારી પોતે જ લીધી છે.
ભાજપ શાસિત આ રાજ્યમાં બરોબર લોકસભાની ચૂંટણી પહેલાં થયેલી આ હત્યાઓએ રાજ્યમાં રાજકીય વમળો પેદા કરી દીધાં છે.
આ પૂર્વે જાજ્જરમાં પોલીસે ભાજપના પૂર્વ વિધાયક નરેશ કૌશીક અને અન્યોનાં નામ એફઆઈઆરમાં નોંધ્યાં હતાં. આ હત્યા અંગે પોલીેસ કલમ ૩૦૨ (સદોષ મનુષ્યવધ) સહિત વિવિધ કલમો નીચે કેસ નોંધ્યો છે.