જ્યાંથી 'બેટી બચાવો..' ની શરૂઆત થઈ ત્યાં જ દીકરીઓની સ્થિતિ ચિંતાજનક, સરકાર કરશે તપાસ
Beti Bachao Beti Padhao: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવા પર તેના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન હરિયાણાના પાણીપત જિલ્લામાં લિંગ ગુણોત્તર દર ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, પાણીપતના ગામડાઓની સ્થિતિ SRB (જન્મ સમયે લિંગ ગુણોત્તર)ની દ્રષ્ટિએ દયનીય છે અને તેની તપાસ કરવામાં આવશે.
પાણીપત જિલ્લામાંથી જ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ થયુ
અહેવાલો અનુસાર, આરોગ્ય વિભાગે જિલ્લાના 190 ગામોમાંથી 67 ગામોને ઓળખી કાઢ્યા છે અને તેમને રેડ ઝોન શ્રેણીમાં મૂક્યા છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 2015માં પાણીપત જિલ્લામાંથી જ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ કર્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લિંગ ગુણોત્તરમાં સુધારો કરવાનો અને દીકરીઓ પ્રત્યે સમાજની માનસિકતા બદલવાનો હતો.
આરોગ્ય વિભાગે એવા ગામડાઓની ઓળખ કરી છે જ્યાં લિંગ ગુણોત્તર 850થી નીચે આવી ગયો છે. જો આપણે આમાંના કેટલાક ગામડાઓ વિશે વાત કરીએ, તો મંડીમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર 478 કરતા ઓછો છે. આ ઉપરાંત બાપોલીના આઠ ગામો, ચુલકણા અને પટ્ટી કલ્યાણાના સાત ગામો પણ તપાસ હેઠળ છે. આ પાછળના કારણો સમજવા માટે આરોગ્ય વિભાગ આ ગામોના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યું છે. બધા આરોગ્ય કર્મચારીઓને ગર્ભવતી મહિલાઓ પર નજર રાખવા અને વિગતવાર રેકોર્ડ રાખવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ અલ્ટ્રાસાઉન્ડ પહેલાં આ ડેટા આરોગ્ય વિભાગના પોર્ટલ પર અપલોડ કરવા સૂચના અપાઈ છે.
એક જાણીતા ડૉક્ટરે જણાવ્યું હતું કે, 'ગેરકાયદે અલ્ટ્રાસાઉન્ડ કેન્દ્રો પર દરોડા પાડવામાં આવશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ રાજ્યમાં અગ્રેસર રહેલો પાણીપત જિલ્લો 2024માં 900ના લિંગ ગુણોત્તર સાથે 17મા સ્થાને પહોંચી ગયો છે. વર્ષ 2015માં પાણીપતમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર દર 1000 છોકરાઓ દીઠ 792 છોકરીઓ હતી. ઝુંબેશ શરૂ થયા પછી વર્ષ 2017માં તે રેકોર્ડ 945 પર પહોંચી ગઈ. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ અને તે 2024 માં 900 સુધી પહોંચી હતી.