Get The App

નૂહમાં ફરી હિંસા ભડકાવવાનો પ્રયાસ : પૂજા કરવા જતી મહિલાઓ પર પથ્થરમારો; વિસ્તારમાં ભારે તણાવ

નૂહમાં કુવા પૂજન માટે જઈ રહેલી મહિલાઓ પર મસ્જિદમાંથી કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો

પથ્થરમારામાં 3 મહિલાઓ ઈજાગ્રસ્ત, વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News

નૂહમાં ફરી હિંસા ભડકાવવાનો પ્રયાસ : પૂજા કરવા જતી મહિલાઓ પર પથ્થરમારો; વિસ્તારમાં ભારે તણાવ 1 - image

નૂહ, તા.17 નવેમ્બર-2023, શુક્રવાર

હરિયાણાના નૂહમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. ગુરુવારે રાત્રે નૂહમાં ‘કુવા પૂજન’ માટે જઈ રહેલી કેટલીક મહિલાઓ પર એક મસ્જિદમાંથી કેટલાક અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે. આ ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ અંગે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લોકોને શાંત પાડ્યા

ઘટનાની માહિતી મળતાની સાથે જ નુહના પોલીસ અધિક્ષક (SP) નરેન્દ્ર બિજાર્નિયા ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને શાંત પાડ્યા. આ અંગે માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અંગે હજુ સુધી તેમને કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પથ્થરમારામાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે લગભગ 8:20 વાગ્યે એક મસ્જિદ પાસે બની હતી, જ્યારે મહિલાઓનું એક જૂથ ‘કુવા પૂજન’ માટે જઈ રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે જ્યારે મહિલાઓ મસ્જિદ પાસે પહોંચી ત્યારે કથિત રીતે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ત્રણ મહિલાઓ ઘાયલ થઈ હતી.

મદરેસાના કેટલાક બાળકોએ પથ્થરમારો કર્યો

નૂહના પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહ બિજાર્નિયાએ કહ્યું કે કેટલીક મહિલાઓ ‘કૂવા પૂજન’ કરવા જઈ રહી હતી અને ફરિયાદ મળી હતી કે મદરેસાના કેટલાક બાળકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ બંને સમાજના લોકો અહીં એકઠા થઈ ગયા હતા. FIR નોંધવામાં આવી રહી છે. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. દોષિતો સામે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં કોઈ મહિલાને કોઈ મોટી ઈજા થઈ નથી.

ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી

આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. કથિત ઘટના બાદ પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં 31 જુલાઈના રોજ વિશ્વ હિન્દુ પરિષદની બ્રજ મંડળ શોભા યાત્રા પર ટોળાએ હુમલો કરતા નૂહમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જેમાં બે હોમગાર્ડ જવાનો અને એક મસ્જિદના મૌલવીના મોત થયા હતા.


Google NewsGoogle News