VIDEO : નૂંહમાં ફરી તંગદિલી, મહિલાઓ પર પથ્થરમારાથી ગુસ્સે ભરાયા લોકો, દુકાનો બંધ, જિલ્લામાં પોલીસ કાફલો ખડકાયો
હિન્દુ વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો, કેટલાક સ્થળોએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા
પોલીસે સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લાભરમાં પોલીસ ફોર્મ તૈનાત કરી, પોલીસ અધિકારીએ સ્થિતિ કાબુમાં હોવાનું જણાવ્યું
નૂંહ, તા.17 નવેમ્બર-2023, શુક્રવાર
31 જુલાઈએ બ્રિજમંડળ યાત્રા પર પથ્થરમારા બાદ થયેલી હિંસા (Nuh Violence)ની આગમાં સળગેલા નુંહમાં ફરી તંગદિલી ફેલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. હરિયાણા (Haryana)ના નૂંહમાં પૂજા કરવા જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો કરવાની ઘટના બાદ લોકો ગુસ્સે ભરાયા છે અને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. વણસતી જતી સ્થિતિને જોતા અહીં ટપોટપ દુકાનો પણ બંધ થઈ રહી છે. પોલીસે પણ સુરક્ષાને ધ્યાને રાખી તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લાભરમાં પોલીસનો કાફલો ખડકી દીધો છે.
રસ્તાઓ ઉપર ઉતરી લોકોનું વિરોધ-પ્રદર્શન
દરમિયાન નૂંહના વોર્ડ નંબર-10માં ગઈકાલે રાત્રે મદરેસા પરથી પથ્થરમારો કરાતા ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. ઘટના બાદ નૂંહમાં ફરી તંગદિલી ફેલાઈ છે. અહીં કૂંઆ પૂજન માટે જઈ રહેલી મહિલાઓ પર પથ્થમારો કરાયા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હુમલાના વિરોધમાં મોટાભાગના હિન્દુ વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી છે. કેટલાક સ્થળોએ લોકો રસ્તા પર ઉતરી આવી વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી જિલ્લાભરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે.
લગભગ 20 લોકો પથ્થમારો થયા બાદ સ્થિતિ વણસી
પોલીસે કહ્યું કે, રામ અવતાર નામના એક વ્યક્તિના ઘરે ગઈકાલે કુઆં પૂજનનું આયોજન કરાયું હતું. પરિવારની મહિલાઓ સહિત લગભગ 20 લોકો રાત્રે લગભગ 8.00 કલાકે પોતાના ઘરથી નજીક આવેલ શિવ મંદિર જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ લોકો મદરેસા પાસે પહોંચ્યા ત્યારે કેટલાક આરોપીઓ, જેમાં મોટાભાગના સગીરો હતા, તે લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. તપાસમાં સામેલ પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે, ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે, જેમને સારવાર અર્થે નૂંહની કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવાઈ છે.
ઘટનાસ્થળ, આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત, સ્થિતિ કાબુમાં
પોલીસે કહ્યું કે, પીડિત પક્ષના કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા અને ત્યારબાદ સાંપ્રદાયિક તંગદિલી ફેલાઈ ગઈ. પોલીસ અધિકારીઓે જણાવ્યું કે, ઘટનાને ધ્યાને રાખી ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં ભારે સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. નુંહના એસપી નરેન્દ્ર બિજારણિયાએ પણ સ્થિતિ પર કાબુ મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે, ઘટનામાં મદરેસાના કેટલાક વિદ્યાર્થી સામેલ હોવાની મૌલવીએ સ્વિકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હાલ સ્થિતિ કાબુમાં છે અને બંને પક્ષો સાથે વાતચીત કરાઈ છે. દરમિયાન પથ્થરમારો કરનાર સગીરોને પકડી લેવાયા છે.
હિન્દુ વેપારીઓમાં રોષ, કડક એક્શન લેવા માંગ કરી
પથ્થરમારાની ઘટનાને કારણે હિન્દુ વેપારીઓ પણ રોષે ભરાયા છે અને આજે સવારથી જ તેઓએ તેમની દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા છે. હિન્દુ સંગઠનોએ ઘટનામાં સામેલ લોકો સામે કડક પગલા ભરાવ માંગ કરી છે. આ ઘટના એટલા માટે ચિંતાજનક છે કે, અગાઉ નૂંહમાં 31 જુલાઈએ બ્રિજમંડળ યાત્રા પર હુમલા બાદ નૂંહ સહિત હરિયાણાના ઘણા જિલ્લાઓમાં સાંપ્રદાયિક હિંસા શરૂ થઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હગતા. પોલીસે હિંસા બાદ ઘણા આરોપીઓની ધરપકડ કરી હતી.