ભાજપની બળવાખોરો સામે મોટી કાર્યવાહી, ચૂંટણી પહેલાં 78 નેતાને પક્ષમાંથી તગેડી મૂકાયા
Haryana civic body elections 2025: હરિયાણામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ ભાજપે બળવાખોરોને પક્ષમાંથી હાંકી કાઢવાની કવાયત હાથ ધરી છે. પક્ષે જે નેતાઓ વિરૂદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે, તેમાં ગુરૂગ્રામના પૂર્વ મેયર વિમલ યાદવ અને પૂર્વ ડેપ્યુટી મેયર પરમિંદર કટારિયા પણ સામેલ છે. હરિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રથમ તબક્કાનું મતદાન બીજી માર્ચે થશે.
હરિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ ભાજપે 78 કાર્યકરોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. જે નેતાઓ અને કાર્યકરોને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે તેમાં ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનના 44, માનેસર નગર નિગમના 33 અને પટૌડીના એકનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક નેતાઓ પક્ષ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
છ વર્ષ માટે સસ્પેન્ડ
હરિયાણા પ્રદેશ ભાજપે ઘણી વિચારણા અને ચર્ચા બાદ આ નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે હકાલપટ્ટી હાથ ધરવામાં આવી છે. આ નેતાઓનું પ્રાથમિક સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીનો હેતુ સંગઠનમાં શિસ્ત જાળવવાનો અને ચૂંટણી પહેલા એકતાનો સંદેશ આપવાનો છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સૈન્યના વાહન પર મોટો આતંકી હુમલો, હુમલાખોરો જંગલમાં ફરાર
કોંગ્રેસના સાત નેતાઓ બરતરફ
કોંગ્રેસે પણ ગત સપ્તાહે પોતાના પક્ષમાં સામેલ સાત નેતાઓને બરતરફ કરવાની કવાયત હાથ ધરી હતી. હરિયાણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને પક્ષના આદેશ અનુસાર, સાત નેતાઓને તાત્કાલિક ધોરણે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આદેશમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપિલ ચૂંટણી-2025ની જારી પ્રક્રિયા દરમિયાન પક્ષના નેતાઓ-કાર્યકરો પક્ષ વિરોધી ગતિવિધિઓ કરી રહ્યા હતાં. જેનો રિપોર્ટ મળતાં જ ઉલ્લેખિત વ્યક્તિઓને તાત્કાલિક પ્રભાવથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.
કોંગ્રેસે આ નેતાઓને કર્યા સસ્પેન્ડ
બરતરફ કરવામાં આવેલા લોકોમાં કરનાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ તરલોચન સિંહ અને અશોક ખુરાના, યમુનાનગરમાં પક્ષ નેતા પ્રદિપ ચૌધરી, અને મધુ ચૌધરી, હિસારના વરિષ્ઠ નેતા રામ નિવાસ રારા, ગુરૂગ્રામમાંથી નેતા હરવિન્દર અને રામ કિશન સૈન સામેલ છે. રારા અને સિંહને સસ્પેન્ડ કરાતાં જ તેઓ ભાજપમાં સામેલ થયા હતા. રારા ગત વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા. જ્યારે સિંહ 2019માં વિધાનસભા ચૂંટણીમાં કરનાલ વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને હરાવ્યા હતાં. તરલોચન સિંહ મે, 2024માં આ બેઠક પર વિધાનસભા પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સામે હાર્યા હતા.