Get The App

ભાજપના દિગ્ગજે પોતાની જ સરકાર સામે બાંયો ચડાવી, કહ્યું- ડલ્લેવાલની જેમ ભૂખ હડતાળ કરીશ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
ભાજપના દિગ્ગજે પોતાની જ સરકાર સામે બાંયો ચડાવી, કહ્યું- ડલ્લેવાલની જેમ ભૂખ હડતાળ કરીશ 1 - image


Haryana News: હરિયાણાના વરિષ્ઠ મંત્રી અનિલ વિજ પોતાની જ સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે. અનિલ વિજે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની જેમ ભૂખ હડતાળ કરવાની પણ ચેતવણી આપી છે. વીજળી તેમજ પરિવહન મંત્રી અનિલ વિજે હાલમાં જ અંબાલા કેન્ટ સદર પોલીસ સ્ટેશનના એસએચઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. તેઓએ હરિયાણાના ડીજીપી શત્રુજીત કપૂરને પણ ફોન કર્યો હતો કે, મને સસ્પેન્શન ઓર્ડર જોઈએ છે. પરંતુ, એસએચઓને સસ્પેન્ડ ન કરવામાં આવ્યા અને તે હજુ ડ્યૂટી પર છે. જેનાથી અનિલ વિજ ખૂબ જ નારાજ થઈ ગયા છે. વિજના ગૃહ જિલ્લામાં જ તેમના આદેશ લાગુ ન થવાથી તેમની છબીને નુકસાન પહોંચ્યું છે. એવામાં અનિલ વિજે કહ્યું કે, તે હવે ગ્રીવેન્સ કમિટીની મીટિંગમાં સામેલ નહીં થાય.

અનિલ વિજે કહ્યું કે, જ્યારે ગ્રીવેન્સ કમિટીની બેઠકમાં મારા તરફથી આપવામાં આવેલાં આદેશને લાગુ કરવામાં નથી આવતા તો મીટિંગમાં આવવાનો શું અર્થ છે? આ સાથે તેઓએ ચેતવણી આપતા કહ્યું કે, જો જરૂર પડી તો હું ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલની જેમ ભૂખ હડતાળ પણ કરીશ. હું અંબાલાની જનતાના હકની લડાઈ લડુ છું.

આ પણ વાંચોઃ ‘ચૂંટણી પંચ-દિલ્હી પોલીસનો પંજાબ CM ભગવંત માનના દિલ્હીના નિવાસસ્થાને દરોડો’ AAPનો દાવો

પત્રકારો સાથે વાતચીત કરતાં દરમિયાન વિજે કહ્યું કે, હવે હું ગ્રીવેન્સ કમિટીની બેઠકમાં સામેલ નહીં થઉ. કારણ કે, આ બેઠકમાં આપવામાં આવેલાં આદેશોનું પાલન નથી થતું. આવી બેઠકોમાં સામેલ થવાનો કોઈ અર્થ નથી. મને હરિયાણાની તો ખબર નથી, પરંતુ અંબાલાની જનતાના હક માટે હંમેશા લડતો રહીશ. ખેડૂતોની માંગ માટે ખેડૂત નેતા જગજીત સિંહ ડિલ્લેવાલ ભૂખ હડતાળ કરી રહ્યાં છે, તે જ રીતે મારે પણ જ અનશન કરવું પડ્યું તો હું કરીશ. 

ડલ્લેવાલની જેમ ધરણાં પણ કરવાસ પડશે તો પણ કરીશ

નોંધનીય છે કે, અનિલ વિજને શુક્રવારે સિરસા અને કૈથલમાં ગ્રીવેન્સ કમિટીની બેઠકમાં સામેલ થવાનું હતું, પરંતુ તેમના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તે હવે અંબાલા છોડીને બાકીના હરિયાણામાં થતી કોઈ બેઠકમાં સામેલ નહીં થાય. 23 ડિસેમ્બરે અંબાલા કેન્ટના પીડબ્લ્યુડૂ રેસ્ટ હાઉસમાં ઉર્જા અને પરિવહન મંત્રી અનિલ વિજે જનતા દરબાર લગાવ્યો હતો. તેમાં એક મહિલાની ફરિયાદ પર એફઆઈઆર ન નોંધવાને લઈને કેન્ટ એસએચઓ સતીશ કુમાર પર ભડક્યા હતાં. 

આ પણ વાંચોઃ દુષ્કર્મ આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોરની ચાલુ પત્રકાર પરિષદમાં ધરપકડ, હાઇકોર્ટે ફગાવી હતી જામીન અરજી

એસએચઓને કહ્યું, તું છે કોણ?

મહિલાની ફરિયાદ ન લેવા મુદ્દે અનિલ વિજે એસએચઓને પૂછ્યું કે, હજુ સુધી ફરિયાદ કેમ નથી દાખલ કરવામાં આવી? તું દરેક વસ્તુમાં પોતાની મનમાની કરે છે, તું છે કોણ? પહેલાં એફઆઈઆર દાખલ કરો, તારા અધિકારીઓને પણ જોઈ લઈશું. ત્યારબાદ રોષે ભરાયેલા વિજે કહ્યું કે, સસ્પેન્ડ કરો આને... ચલ બહાર. ત્યારબાદ ડીજીપીને ફોન લગાવ્યો અને એસએચઓને તુરંત સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો. પરંતુ, હજુ સુધી એસએચઓ કામ કરી રહ્યાં છે. તેથી વિજ ભડક્યાં અને ભૂખ હડતાળની ચીમકી આપી દીધી.


Google NewsGoogle News