રામલીલામાં હનુમાન બનેલા યુવકને આવ્યો હાર્ટ એટેક, લોકો એક્ટિંગ સમજ્યા, સ્ટેજ પર જ થયું મોત
નવી દિલ્હી,તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર
ઘણા સમયથી દેશમાં હાર્ટ અટેકના કિસ્સાઓ વધી રહ્યાં છે. અત્યારે નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ અટેકનાં કિસ્સાઓ જોવા મળી રહ્યાં છે. ત્યારે હરિયાણાના ભિવાની જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રામલીલામાં હનુમાનનું પાત્ર ભજવનાર વ્યક્તિને હાર્ટ અટેક આવતા સ્ટેજ પર જ મૃત્યુ પામ્યો છે.
મળતી માહિતી પ્રમાણે અયોધ્યામાં રામલલાના અભિષેકના દિવસે શહેરમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવી રહેલા કલાકારને અચાનક હાર્ટ એટેક આવ્યો અને રામનું પાત્ર ભજવી રહેલા કલાકારના પગમાં જ કલાકારનું મૃત્યુ થયું. આ દરમિયાન ત્યાં હાજર લોકો સમજી ગયા કે, હનુમાનનું પાત્ર ભજવતા હરીશ મહેતા અભિનય કરી રહ્યા છે, તેથી તેઓ અભિનય સમજીને તાળીઓ પાડતા રહ્યા.
હરીશ મહેતા લાંબા સમય સુધી જાગ્યા ન હતા ત્યારે ત્યાં હાજર લોકોએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હરિશ જાગ્યો નહીં, તેથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હરીશ મહેતાના નિધનના સમાચાર મળતાં જ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. રડવાના કારણે પરિવારજનોની હાલત ખરાબ થઈ હતી. આ સાથે સાથી કલાકારોએ રામલીલા દરમિયાન પરફોર્મન્સ આપીને હરીશ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
મૃતક હરીશ મહેતા છેલ્લા 25 વર્ષથી હનુમાનનું પાત્ર ભજવી રહ્યા હતા. તેઓ વીજળી વિભાગમાંથી જેઈ પદ પરથી નિવૃત્ત થયા હતા. હોસ્પિટલના ડોક્ટર વિનોદ આંચલે જણાવ્યું કે હરીશ નામના વ્યક્તિને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ, તે પહેલા જ મૃત્યુ પામ્યો હતો.