ચૂંટણી પહેલા ભાજપમાં ભયંકર નારાજગી: એક બાદ એક રાજીનામાં, હવે દિગ્ગજ નેતાએ પણ છેડો ફાડ્યો
Haryana Election 2024: હરિયાણામાં ભાજપની ટિકિટ વહેંચણી બાદ નેતાઓની નારાજગી ખુલીને સામે આવવા લાગી છે. હવે કેબિનેટ મંત્રી રણજીત ચૌટાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાનિયાથી ટિકિટ કપાઈ ત્યારથી તે નારાજ હતાં.
રણજીત સિંહ ચૌટાલાએ કહ્યું કે, 'હું કોઈપણ સંજોગોમાં રાનિયાથી જ ચૂંટણી લડીશ. ભાજપે મને ડબવાલી બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર આપી હતી, પરંતુ મેં તેને નકારી દીધી છે. હું રોડ શોથી શક્તિ પ્રદર્શન કરીશ. કોઈ બીજી પાર્ટીમાંથી ઊભું રહેવું પડે કે અપક્ષ ઉમેદવાર તરીકે, પણ હું ચૂંટણી જરૂર લડીશ.'
હરિયાણામાં ટિકિટની વહેંચણી બાદથી જ ભાજપના કદાવર નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. આ પહેલાં રતિયા બેઠક પરથી ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ પણ ભાજપ સાથે છેડો ફાડી દીધો હતો. તેઓએ ભાજપનાં પ્રાથમિક સભ્યપદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. નાપા રતિયા બેઠક પરથી ટિકિટ ન મળવાના કારણે નારાજ હતાં. હાલ, ભાજપે આ બેઠક પર સુનીતા દુગ્ગલને ટિકિટ આપી છે.
હિસાર જિલ્લાના ભાજપના સચિવ મહામંડલેશ્વર દર્શન ગિરી મહારાજે પણ પોતાના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ કહ્યું કે, તે પોતાના વ્યક્તિગત કારણોથી રાજીનામું આપી રહ્યાં છે. આ સિવાય હરિયાણા ભાજપ ઓબીસી મારચાંના પ્રદેશ અધ્યક્ષ તેમજ પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે પણ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કર્ણદેવ કંબોજ ઈન્દ્રી વિધાનસભાથી ટિકિટ કપાતા નારાજ હતાં. તેઓએ પાર્ટી પર તેમને અવગણવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું.