હરિયાણામાં ભાજપ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે, કોંગ્રેસના ચાર-પાંચ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ખટ્ટરનો દાવો

Updated: May 12th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં ભાજપ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે, કોંગ્રેસના ચાર-પાંચ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ખટ્ટરનો દાવો 1 - image


Haryana Political Crisis : હરિયાણામાં ત્રણ અપક્ષ ઉમેદવારોએ ભાજપ સરકારનો સાથ છોડ્યા બાદ ભારે રાજકીય ખળભળાટ જોવા મળી રહ્યો છે. ભાજપ સરકારની સત્તા પર સંકટ આવ્યા બાદ હવે રાજ્ય સરકાર ફ્લોર ટેસ્ટ પાસ કરાવવા વિધાનસભાનું વિશેષ સત્ર યોજી શકે છે. હાલ રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી વિવિધ દાવાઓ કરી રહ્યા છે, ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manohar Lal Khattar) મોટો દાવો કર્યો છે.

હરિયાણામાં ભાજપ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે, કોંગ્રેસના ચાર-પાંચ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ખટ્ટરનો દાવો 2 - image
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર

કોંગ્રેસમાં ચાર-પાંચ ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે, ખટ્ટરનો દાવો

હરિયાણા ભાજપ પર આવી ચઢેલા સંકટ અંગે ખટ્ટરે દાવો કર્યો કે, ‘વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. જેજેપીએ આમાં પડવાની જરૂર નહોતી, પરંતુ તેઓ આ મુદ્દામાં પડી ફસાયા છે. જેજેપીના છ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. કોંગ્રેસમાં પણ આંતરીક ડખા ચાલી રહ્યા છે. કોંગ્રેસના 30માંથી ચાર અથવા પાંચ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે. રાજ્યપાલે કોંગ્રેસના 30 ધારાસભ્યો પાસે સહીઓ માંગી છે.’

હરિયાણામાં ભાજપ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે, કોંગ્રેસના ચાર-પાંચ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ખટ્ટરનો દાવો 3 - image
હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને જનનાયક જનતા પાર્ટી (JJP)ના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલા

દુષ્યંત ચૌટાલાએ ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી

હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને જનનાયક જનતા પાર્ટી (JJP)ના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala)એ તાજેતરમાં જ રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયને પત્ર લખીને ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. તેમણે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી ફ્લોર ટેસ્ટ કરાવવા માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, તેઓ રાજ્યમાં સરકાર બનાવનાર કોઈપણ પક્ષને સમર્થન આપવા તૈયાર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.

હરિયાણામાં ભાજપ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે, કોંગ્રેસના ચાર-પાંચ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ખટ્ટરનો દાવો 4 - image
હરિયાણા ભાજપ સરકારમાંથી સમર્થન પાછું ખેંચનાર અપક્ષ ધારાસભ્યો

ત્રણ ધારાસભ્યોએ ભાજપને આપેલું સમર્થન પાછું ખેચ્યું

ઉલ્લેખનીય છે કે, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનની ઉપસ્થિતિમાં સાતમી મેએ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ત્રણ અપક્ષ ધારાસભ્યો સોમબીર સાંગવાન (Sombir Sangwan), રણધીર ગોલેન (Randhir Gollen) અને ધર્મપાલ ગોંદરે (Dharampal Gonder) ભાજપમાંથી સમર્થન પરત ખેંચવાની જાહેરાત કરી હતી. અપક્ષ ધારાસભ્ય ગોંડરે કહ્યું હતું કે, ‘અમે સરકારમાંથી સમર્થન પરત ખેંચી રહ્યા છે. અમે કોંગ્રેસનો સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતો સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓને કારણે આ નિર્ણય લીધો છે.’ ત્રણે અપક્ષ ધારાસભ્યોએ સાથ છોડ્યા બાદ ભાજપ સરકારે બહુમતીનો આંકડો ગુમાવ્યા છે. રાજ્યમાં સત્તા જાળવવા માટે કોઈપણ પક્ષ પાસે 45 ધારાસભ્યો હોવા જરૂરી છે.

અપક્ષના ધારાસભ્યોએ શું કહ્યું?

કોંગ્રેસને સમર્થ આપનારા અપક્ષના ધારાસભ્યોએ કહ્યું હતું કે, ભાજપ સરકારની નીતી લોકવિરોધી રહી છે. જેના કારણે તેમણે કોંગ્રેસને બહારી સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ કોંગ્રેસનું પૂર્ણ રૂપથી સમર્ત આપવાનું કામ કરશે. તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાને (Udai Bhan) કહ્યું કે, ભાજપ સરકાર જેજેપી અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર ચાલી રહી હતી, પરંતુ આજે ભાજપ સરકાર લઘુમતિમાં આવી ગઈ છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જોઈએ. હવે ભાજપને સરકારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (Bhupinder Singh Hooda)એ કહ્યું કે, ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થ આપ્યું છે. આ જન સમર્થમાં નિર્ણય લીધો છે. કોંગ્રેસ સતત રાજ્યમાં મજબૂત થઈ રહી છે.

હરિયાણા વિધાનસભા બેઠકોનું ગણિત

હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો છે, જેનો જાદુઈ આંકડો 46 છે. એટલે રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછા 46 ધારાસભ્યોની જરૂર છે. જોકે રાજ્યની બે બેઠકો ખાલી છે, તેથી હાલ જાદુઈ આંકડો 45 છે. વર્તમાન બેઠકોની વાત કરીએ તો, ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પરત ખેંચી લીધા બાદ ભાજપે બહુમતીનો આંકડો ગુમાવ્યા છે. હાલ BJPના 40, કોંગ્રેસના 30 અને જેજેપીના 10 ધારાસભ્ય છે. આ ઉપરાંત હરિયાણા લોકહિત પાર્ટીના એક, ઈનેલોના એક ધારાસભ્ય છે. જ્યારે છ ધારાસભ્ય અપક્ષના છે. હાલના સમયે ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ચૂક્યું છે. અપક્ષના સહારે ચાલી રહેલી ભાજપ સરકારની હાલ મુશ્કેલી વધી ગઈ છે. હાલ ભાજપ પાસે પોતાના 40 ધારાસભ્યો અને 3 અન્ય ધારાસભ્યોનો સાથ છે.

હરિયાણામાં ભાજપ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે, કોંગ્રેસના ચાર-પાંચ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ખટ્ટરનો દાવો 5 - image
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની

અપક્ષ ધારાસભ્યોના રાજીનામા અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું ?

કેટલાક અપક્ષ ધારાસભ્યોએ હરિયાણા સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હોવા અંગે અને કોંગ્રેસને સમર્થન આપ્યું હોવાના અહેવાલો અંગે જ્યારે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની (CM Nayab Singh Saini)ને પ્રશ્ન પૂછાયો તો તેમણે કહ્યું કે, ‘મને આ માહિતી મળી છે. કદાચ કોંગ્રેસ (Congress) હવે કેટલાક લોકોની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસને લોકોની ઈચ્છા સાથે કોઈ લેવાદેવા નથી.’


Google NewsGoogle News