હરિયાણા સરકાર યમુનામાં ઝેર મિલાવી રહી છે: કેજરીવાલના આરોપ બાદ ECએ માંગ્યો રિપોર્ટ
Arvind Kejriwal Allegations On Haryana Government : આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનામાં ઝેર મિલાવી રહ્યા હોવાનો દાવો કર્યો છે. કેજરીવાલનો આરોપ છે કે, 'દિલ્હીની જનતા ભાજપને મત નથી આપી રહી એટલા માટે ભાજપ સરકારે આવું પગલું ભર્યું છે.' જ્યારે આ મામલે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પલટવાર કરતાં કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલની ટેવ એવી છે કે આરોપ લગાવો અને ભાગી જાઓ. કેજરીવાલે ખુદ 28 ડ્રેઇન્સ યમુનામાં નાખ્યા અને વિચાર્યું કે હરિયાણા પર આરોપ લગાવીને બચી જાઉં.' સમગ્ર મામલે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પણ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
મીડિયા અહેવાલ મુજબ, ચૂંટણી પંચને આજે સોમવારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ તરફથી એક મેમોરેન્ડમ મળ્યું. જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે હરિયાણાથી દિલ્હીને પૂરા પાડવામાં આવતાં પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે દિલ્હીમાં પાણી પુરવઠા પર અસર પડી છે. કમિશને હરિયાણા સરકારને 28 જાન્યુઆરી, બપોરે 12 વાગ્યા સુધીમાં વાસ્તવિક અહેવાલ આપવાનો નિર્દેશ આપ્યો છે.
કેજરીવાલે શું કહ્યું?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'લોકોને તરસ્યા મારવાથી મોટું કોઈ પાપ નથી. ભાજપ પોતાના ગંદા રાજકારણ માટે દિલ્હીના લોકોને તરસ્યા બનાવવા માંગે છે. હરિયાણાથી ભાજપવાળા પાણીમાં ઝેર ભેળવી દિલ્હી મોકલે છે. જો આ પાણી દિલ્હીવાસીઓએ પીધું તો અનેક લોકો મૃત્યુ પામશે. શું આનાથી ઘૃણાસ્પદ કામ કોઈ કરી શકે છે? જે ઝેર પાણીમાં ભેળવીને મોકલવામાં આવી રહ્યું છે, તે સાફ પણ થઈ શકતું નથી. જ્યારે દિલ્લીના લોકોની સુરક્ષાને લઈને અનેક વિસ્તારોમાં પાણી બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે લોકોને ઓછી તકલીફ પડે. ભાજપ દિલ્હીના લોકોનું 'માસ મર્ડર' કરવા માંગે છે. અમે એવું બિલકુલ નહીં થવા દઈએ'
હરિયાણાના મુખ્યમંત્રીએ શું કહ્યું?
સમગ્ર મામલે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પલટવાર કરતાં કહ્યું કે, 'મે કીધું કે તમે (કેજરીવાલ) પોતાના મુખ્ય સચિવને મોકલો અને હું અમારા મુખ્ય સચિવને સોનીપતમાં પાણીની ગુણવત્તા ચકાસવા કહીશ, જ્યાંથી યમુના દિલ્હીમાં પ્રવેશ કરી રહી છે. તેઓ અમોનિયા વિશે વાત કરે છે. પાણીની અછતનો દાવો કરે છે. પરંતુ કોઈ અછત નથી, જો કે, અછત એમની ઇચ્છાશક્તિમાં છે. કેજરીવાલની વિતરણની પ્રણાલીમાં એક સમસ્યા છે. તેઓ 10 વર્ષથી પાણી વિતરણની વ્યવસ્થા કરી શક્યા નથી. જો કે, તેમણે જાહેર મંચ પરથી વાયદો કર્યો હતો, તેમ છતાં પણ લોકોને પ્રદૂષિત પાણી મળી રહ્યું છે. તેમને આરોપ લગાવાની જગ્યાએ કામ કરવાની જરૂર છે. દિલ્હીના લોકોએ મન બનાવી લીધું છે અને તેઓ એમને પાઠ ભણાવશે.'
મુખ્યમંત્રી આતિશીએ શું કહ્યું?
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પણ સોશિયલ મીડિયા દ્વારા આ અંગે પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, 'ચૂંટણી હારવાના ડરથી ભાજપ દિલ્હીના લોકોને તરસ્યા બનાવીને મારી નાખવા માંગે છે. ભાજપ તેની હરિયાણા સરકારને યમુના નદીમાં ઝેરી પાણી છોડાવી રહી છે. પાણીમાં એટલું બધું એમોનિયા છે કે દિલ્હીના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થવાના આરે છે. દિલ્હીના 30 ટકા લોકોને પાણી મળશે નહીં. હિન્દુ ધર્મમાં પાણી રોકવાથી મોટું કોઈ પાપ નથી. દિલ્હીના લોકો આ પાપ માટે ભાજપને દોષી ઠેરવશે. 5 ફેબ્રુઆરીએ જવાબ આપશે.'