ગોલ્ડ ચૂકી ગયેલી વિનેશને હવે મળશે આ ઈનામ, સન્માન અને સુવિધાઓ, રાજ્ય સરકારે કર્યું એલાન
Woman Wrestler Vinesh Phogat: ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ કુશ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી છે કે, 'વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સ્વાગત અને સન્માન કરવામાં આવશે.'
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'હરિયાણા સરકાર ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતાને જે સન્માન, પુરસ્કાર અને સુવિધાઓ આપે છે તે વિનેશ ફોગટને પણ કૃતજ્ઞતા સાથે આપવામાં આવશે.'
આ પણ વાંચો: વિનેશ અયોગ્ય જાહેર થયા બાદ પણ સિલ્વર મેડલની આશા હજુ જીવંત, CAS આજે કરશે નિર્ણય
હરિયાણા સરકારની જાહેરાત
હરિયાણા સરકારે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને 6 કરોડ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને 4 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 2.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને 15 લાખ રૂપિયાની રકમ પણ આપશે. આ સાથે મેડલ અનુસાર ગ્રુપ A, ગ્રુપ B અથવા ગ્રુપ Cની સરકારી નોકરી પણ આપવામાં આવશે.
મામલો શું છે?
ખરેખર પેરિસ ઓલિમ્પિકમાં વિનેશની સિલ્વરની આશા હજુ પણ જીવંત છે. જો કે તેને મેડલ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. અયોગ્ય જાહેર થયા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ)માં અપીલ કરી છે. તેણે પોતાને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો છે.