કદાવર નેતાનું પત્તું કાપતાં ભાજપમાં બળવો, ચૂંટણી પહેલાં જ આ રાજ્યમાં પાર્ટીમાં તોડફોડની આશંકા!
Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સ્થિતિ પહેલા જેટલી મજબૂત નથી મનાતી. આ ઉપરાંત બળવો પણ ભાજપને ભારે પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હિસારથી મહેન્દ્રગઢ સુધી પાર્ટીને મોટા નેતાઓના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી રામ બિલાસ શર્માએ પણ ઉમેદવારી નોંધાવી દીધી છે. પક્ષ દ્વારા તેમની ઉમેદવારીની જાહેરાત થાય તે પહેલા જ તેમણે બુધવારે (11મી સપ્ટેમ્બર) ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન દક્ષિણ હરિયાણાના ઘણાં વરિષ્ઠ નેતાઓ તેમની સાથે ઉમેદવારી વખતે હાજર રહ્યા હતા. નોમિનેશન દરમિયાન રાવ ઈન્દ્રજીત સિંહ, પૂર્વ મંત્રી ઓમપ્રકાશ યાદવ અને અટેલીના ધારાસભ્ય સીતારામ યાદવ પણ પહોંચ્યા હતા.
પાર્ટીની યાદી જાહેર થાય તે પહેલા ઉમેદવારી નોંધાવી
એટલું જ નહીં, રાવ ઈન્દ્રજીત સિંહે ખુલ્લેઆમ રામ બિલાસ શર્માના વખાણ કર્યા અને તેમને મોટા નેતા ગણાવ્યા અને કહ્યું કે ભાજપ તેમના લોહીમાં છે. એવું મનાતું હતું કે રામવિલાસ શર્માના નોમિનેશન પછી કદાચ તેમને ટિકિટ મળી જશે, પરંતુ બુધવારે રાત્રે જ્યારે લિસ્ટ આવ્યું ત્યારે રામવિલાસ શર્માનું નામ જ નહોતું. તેમના સ્થાને ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કંવરસિંહ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે પણ નોમિનેશન દરમિયાન પાર્ટીના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પક્ષ દ્વારા માત્ર એક છેતરપિંડીની ફરિયાદના આધારે તેમની અવગણના કરવી ખોટું ગણાશે.
રામ બિલાસ શર્માનો બળવો ભાજપને ભારે પડશે!
રાવ ઈન્દ્રજીત સિંહે કહ્યું, 'ટિકિટ મળે કે ન મળે, કોઈને પણ વરિષ્ઠ નેતાનું અપમાન કરવાનો અધિકાર નથી. એક ફરિયાદના આધારે પાર્ટી કહી રહી છે કે શર્માની ટિકિટ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઘા પર મીઠું ભભરાવા સિવાય બીજું કંઈ નથી. મારું માનવું છે કે પાર્ટીએ રામ બિલાસ શર્માની ટિકિટ ન કાપવી જોઈએ. પરંતુ જો આવું થશે તો તે માત્ર મહેન્દ્રગઢ માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે આંચકો હશે. ભાજપ શર્માજીના લોહીમાં છે. તેઓ દાયકાઓથી પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે.'
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં ભાજપના યુવા મોરચાના મંત્રી દારૂ ભરેલી કારનું પાઈલોટિંગ કરતાં ઝડપાયા
રામ બિલાસ શર્માનો દબદબો... પત્તું કપાતા લોકો ચોંક્યા
આ રીતે કેન્દ્રીય મંત્રીએ રામ બિલાસ શર્માને ખુલ્લેઆમ સમર્થન આપીને અને તેમના નોમિનેશન માટે સાથે જઈને પોતાનું વલણ સ્પષ્ટ બતાવ્યું. આનાથી સમજી શકાય કે ભલે રામ બિલાસ શર્માએ બળવો કરીને ઉમેદવારી નોંધાવી હોય, પરંતુ એક મોટો વર્ગ તેમની સાથે જઈ શકે છે. જેનાથી ભાજપમાં તોડફોડ મચી શકે છે. રામ બિલાસ શર્માની બ્રાહ્મણોમાં પણ સારી એવી પ્રતિષ્ઠા છે અને તેમની ટિકિટ કેન્સલ થવાની અસર ચોક્કસ દેખાશે. યાદવો ઉપરાંત દક્ષિણ હરિયાણા એટલે કે ગુરુગ્રામ અને રેવાડી પટ્ટામાં પણ સારી સંખ્યામાં બ્રાહ્મણો છે. જ્યારે સાંસદ ધરમબીર સિંહે કહ્યું કે અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે રામ બિલાસ શર્માને ટિકિટ માટે રાહ જોવી પડશે. તેમની મહેનતના કારણે જ હરિયાણામાં ભાજપ મજબૂત બન્યું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસમાં ફરી પરિવારવાદ! હરિયાણાની ત્રીજી યાદીમાં સુરેજવાલાના દીકરાને ટિકિટ, જાણો કોણ ક્યાંથી લડશે?
રામ બિલાસ શર્મા વિરુદ્ધ કઈ ફરિયાદ હતી?
ખરેખર એક સ્થાનિક મહિલાએ રામ બિલાસ શર્મા સહિત 8 લોકો પર તેના પતિને ફોસલાવીને કરોડો રૂપિયા પડાવી લીધાનો આરોપ લગાવ્યો હતો. તેની મિલકત પર પણ કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પહેલા તેણે પતિના પૈસાથી રાજનીતિ કરી અને બાદમાં તેને ઠેકાણે કરી દીધો. આટલું જ નહીં, તેમના પર તેના પુત્રને POCSO એક્ટમાં ફસાવવાનો પણ આરોપ છે. રામ બિલાસ શર્માએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.