'દિલ તૂટી ગયું, મહેનત એળે ગઈ..', CM પદ માટે દાવો કરનારા દિગ્ગજ કોંગ્રેસી નેતાનું દર્દ છલકાયું
Kumari Selja: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર રાજકીય પંડિતોની તમામ આગાહીઓ ખોટી સાબિત થઈ છે. કોંગ્રેસને હરિયાણામાં જીતની આશા હતી અને ત્યાં સરકાર બનાવવાના સપના જોઈ રહી હતી ત્યાં હવે પાર્ટીને નિરાશા હાથ લાગી છે. આ હારથી માત્ર પાર્ટીના કાર્યકરોને જ નહીં પરંતુ મોટા નેતાઓ પણ આઘાત લાગ્યો છે.
આ હારથી દરેકનું દિલ દુ:ખી છે
હરિયાણામાં પાર્ટીનો મહત્ત્વનો ચહેરો અને સિરસાના સાંસદ કુમારી શૈલજાએ આ બાબતે કહ્યું છે કે, 'આ હારથી દરેકનું દિલ દુ:ખી છે. હાર બાદ પાર્ટી કાર્યકર્તાઓ ખૂબ જ નિરાશ છે અને પાર્ટી આ હારની સમીક્ષા કરી રહી છે.'
ખામીઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે
રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા કુમારી શૈલજાએ કહ્યું હતું કે, ' આ ચોંકાવનારા ચૂંટણી પરિણામો પાછળના કારણો વિશે અમે લોકો સાથે વાત કરી રહ્યા છીએ. કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે ખામીઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
રોહતક પ્રાર્થના સભા માટે આવેલા શૈલજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે મતગણતરી પ્રક્રિયા દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM)માં ટેક્નિકલ સમસ્યાઓ અંગે ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ સોંપ્યું છે.
વિપક્ષની ભૂમિકા અસરકારક રીતે ભજવીશું
હરિયાણા ચૂંટણી પરિણામ અંગે શૈલજાએ વધુમાં કહ્યું હતું કે, 'ઉતાર-ચઢાવ એ રાજકારણનો એક ભાગ છે. અમે લોકોના પ્રશ્નો અને રાજ્યની ખોટી નીતિઓનો વિરોધ કરીને વિપક્ષની ભૂમિકા અસરકારક રીતે ભજવીશું. તેમજ અમે પાર્ટી કેડરને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા પર કામ કરીશું.'
આ પણ વાંચો: ભાજપના સાંસદ પર આશ્રમમાં ઘૂસીને સાધુ સાથે મારપીટ કરવાનો આરોપ, બંગાળમાં તણાવ
કોંગ્રેસમાં સંગઠિત માળખાના અભાવ વિશે પણ કર્યો ખુલાસો
જ્યારે કોંગ્રેસમાં સંગઠિત માળખાના અભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કુમારી શૈલજાએ કહ્યું, 'ચૂંટણી દરમિયાન પાર્ટી સંગઠનની જરૂરિયાત ખૂબ જ અનુભવાઈ હતી. આના દ્વારા ઓળખ મેળવવાનો પક્ષના કાર્યકરોનો પણ અધિકાર છે. પાર્ટી હાઇકમાન્ડ દ્વારા જ પાર્ટીમાં સંભવિત ફેરફારો અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે.'
ભાજપે હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવી
તમામ એક્ઝિટ પોલ અને અંદાજોને ખોટા સાબિત કરીને ભાજપ હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ રહી છે. 90 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપને 48 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 37 બેઠક જ મળી છે.