Get The App

હરિયાણામાં હારતાં જ કોંગ્રેસના સહયોગીઓને મળ્યો 'મોકો', કોઈનો કટાક્ષ તો કોઈની સલાહ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં હારતાં જ કોંગ્રેસના સહયોગીઓને મળ્યો 'મોકો', કોઈનો કટાક્ષ તો કોઈની સલાહ 1 - image


Haryana Election 2024 Results | હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ ગઈકાલે આવ્યા અને આ વખતે કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં હાર બાદ I.N.D.I.A. ગઠબંધનના સાથીઓના સૂર પણ બદલાઈ ગયા છે અને આ સાથે કોંગ્રેસને 'I.N.D.I.A.' ગઠબંધનના સાથી પક્ષોએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેની વ્યૂહરચનામાં મોટાપાયે ફેરફાર કરવાની સલાહ આપી દીધી છે. 

કેજરીવાલે શું બોલ્યાં? 

કોંગ્રેસ પર જાણે કટાક્ષ કરતાં હોય એમ આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલે સલાહ સ્વરૂપે કહ્યું કે હરિયાણાની ચૂંટણીના પરિણામોનો "સૌથી મોટો પાઠ" એ છે કે ચૂંટણીમાં ક્યારેય "વધારે પડતો આત્મવિશ્વાસ" ન બતાવવો જોઈએ. કોઈ પણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ. દરેક ચૂંટણી અને દરેક બેઠક મુશ્કેલ હોય છે.

શિવસેનાના ઉદ્ધવ જૂથની સલાહ

હરિયાણામાં સીટ વહેંચણીને લઈને મતભેદોને કારણે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે, શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે હરિયાણાના ચૂંટણી પરિણામોની મહારાષ્ટ્રમાં કોઈ અસર નહીં થાય. અહીં આગામી મહિને ચૂંટણી યોજાવાની શક્યતા છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસે તેની ચૂંટણી વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ કારણ કે કોંગ્રેસે હરિયાણામાં ભાજપ સામે સીધી લડાઈમાં અપેક્ષાઓ કરતાં નબળું પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસને સીપીઆઈની સલાહ

સીપીઆઈના મહાસચિવ ડી. રાજાએ પણ કોંગ્રેસને સલાહ આપી છે અને કહ્યું કે કોંગ્રેસે હરિયાણાના ચૂંટણી પરિણામો પર ગંભીરતાથી આત્મમંથન કરવું જોઈએ અને મહારાષ્ટ્ર અને ઝારખંડની આગામી ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન 'I.N.D.I.A.'ના તમામ સહયોગીઓને સાથે લઇને ચાલવુ જોઈએ. મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી માટે કોંગ્રેસ શિવસેના (UBT) અને શરદ પવારના નેતૃત્વવાળી NCP (શરદચંદ્ર પવાર) સાથે વાતચીત કરી રહી છે.

કોંગ્રેસે શું કરી દલીલ

દરમિયાન કોંગ્રેસે મંગળવારે મહારાષ્ટ્રમાં તેના સાથી પક્ષોને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેની હાર બાદ ગઠબંધન ધર્મની યાદ અપાવી અને કહ્યું કે તે લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પાર્ટીના નેતાએ કહ્યું, “હું યાદ અપાવવા માંગુ છું કે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પ્રથમ સ્થાને હતી. ગઠબંધનનો એક ધર્મ છે, જેઓ એકબીજા સાથે વાત કરે છે, મીડિયા દ્વારા નહીં.'' તેમણે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ગઠબંધનને મજબૂત કરવાની અમારી ફરજ છે અને અમે અમારા સાથી પક્ષો વિશે કશું નહીં બોલીએ.

હરિયાણામાં હારતાં જ કોંગ્રેસના સહયોગીઓને મળ્યો 'મોકો', કોઈનો કટાક્ષ તો કોઈની સલાહ 2 - image


Google NewsGoogle News