'હું ભાજપને હરાવવા કામ કરીશ..' પત્તું કપાતાં અકળાયેલા મંત્રીએ CM સાથે હાથ ન મિલાવ્યાં

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
'હું ભાજપને હરાવવા કામ કરીશ..' પત્તું કપાતાં અકળાયેલા મંત્રીએ CM સાથે હાથ ન મિલાવ્યાં 1 - image


Haryana Election and BJP in Trouble | હરિયાણામાં ભલે સરકારમાં હોય પણ આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ભારે મુશ્કેલીમાં દેખાઈ રહ્યો છે. ટિકિટ વહેંચણીથી નારાજ ભાજપના અનેક નેતાઓએ પાર્ટી છોડવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર સરકારમાં મંત્રી રહી ચૂકેલા કર્ણદેવ કંબોજે કંઇક એવું કર્યું કે ભાજપની અંદરો અંદરના ડખા ફરી ચર્ચામાં આવી ગયા. આ દરમિયાન કંબોજે એમ પણ કહ્યું હતું કે હવે હું ભાજપને હરાવવા માટે કામ કરીશ. 

શું બની ઘટના? 

માહિતી અનુસાર પૂર્વ મંત્રી કર્ણદેવને પણ આ વખતે ટિકિટ ન મળતાં તે ભારે નારાજ દેખાયા હતા અને તેમણે પદેથી રાજીનામું એકઝાટકે ધરી દીધું. એટલા માટે જ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પોતે જ તેમને મનાવવા પહોંચ્યા હતા પરંતુ તેમણે ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

શું દેખાયું વાયરલ વીડિયોમાં? 

ટિકિટ ન મળવાથી નારાજ કંબોજે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમને મનાવવા આવેલા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જ્યારે હાથ મિલાવવા હાથ લંબાવ્યો તો કંબોજ હાથ જોડીને આગળ વધી ગયા હતા. જેના લીધે આ દૃશ્ય ચર્ચામાં આવી ગયો હતો. મુખ્યમંત્રી નાયબ સૈની અને ધારાસભ્ય સુભાષ સુધા ખરેખર તો કંબોજના ગામ તેમને મળવા પહોંચ્યા હતા. પાર્ટી દ્વારા નારાજ કંબોજને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. કંબોજ કહે છે કે હવે તેઓ ભાજપને હરાવવા માટે કામ કરશે.

નારાજ કંબોજ શું બોલ્યાં? 

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ કપાવાથી નારાજ કંબોજે કહ્યું કે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. હું ઈન્દ્રી અને રાદૌર એમ બે વિધાનસભા મતવિસ્તારોમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ ટિકિટ ન મળી. હવે હું પાર્ટીને પૂછવા માંગુ છું કે, એવી કઈ મજબૂરી હતી કે 2019માં શ્યામસિંહ રાણાની ટિકિટ કાપવી પડી અને એવી કઈ મજબૂરી આવી ગઇ કે આટલો વિશ્વાસઘાત કરવા છતાં હવે ફરી રાણાને 2024માં ટિકિટ આપવામાં આવી? કઈ મજબૂરી હતી પાર્ટી મને જણાવવું જોઈએ? જો હું તેનાથી સંતુષ્ટ થઈશ તો હું પાર્ટીને સમર્થન આપીશ. પરંતુ જે રીતે એક દેશદ્રોહીને ષડયંત્ર રચીને ટિકિટ આપવામાં આવી, જેણે પાર્ટીના ઉમેદવારને હરાવવાનું કામ કર્યું. જે માણસ અમારી સાથે દુર્વ્યવહાર કરતો રહ્યો તેને ટિકિટ આપવામાં આવી પરંતુ અમને નહીં. જેનાથી પાર્ટીના કાર્યકરો નારાજ છે.

'હું ભાજપને હરાવવા કામ કરીશ..' પત્તું કપાતાં અકળાયેલા મંત્રીએ CM સાથે હાથ ન મિલાવ્યાં 2 - image


Google NewsGoogle News