ભાજપને જોરદાર ઝટકો, મતદાન પહેલાં જ પૂર્વ સાંસદ રાહુલની હાજરીમાં ફરી કોંગ્રેસમાં જોડાયા
Haryana election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સાંસદ અશોક તંવરે મહેન્દ્રગઢના ગામ બવાનિયામાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
અશોક તંવર હરિયાણાના કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા
અશોક તંવર હિસારથી લોકસભા સાંસદ અને હરિયાણાના કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે પાંચમી ઓક્ટોબર 2019ના રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેના પછી તે આપમાં જોડાઈ ગયા હતા.
રાહુલ ગાંધીના નજીકના લોકોમાં તેમની ગણતરી થતી
અશોક તંવર વર્ષ 2022માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા હતા. અગાઉ તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીમાં હતા. ટીએમસી પહેલા, તેઓ કોંગ્રેસમાં હતા. એક સમયે તેમની ગણતરી રાહુલ ગાંધીના નજીકના મિત્રોમાં થતી હતી. રાહુલ ગાંધીએ પોતે ફેબ્રુઆરી 2014માં તેમને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા. અશોક તંવર કોંગ્રેસમાં રાષ્ટ્રીય સચિવ અને યુથ કોંગ્રેસના પ્રભારી પણ રહી ચૂક્યા છે. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વચ્ચેના વિવાદ બાદ તેમણે 2019માં વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ 2009થી 2014 સુધી સિરસાથી સાંસદ પણ રહી ચૂક્યા છે.