સવારે દુકાન ખૂલી, નકલી જલેબીઓ વહેંચાતી હતી: ચૂંટણી પરિણામ પહેલા જ કોંગ્રેસના જશ્ન પર ભાજપનો ટોણો
Haryana Election 2024: હરિયાણા 2024 વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. એવામાં હવે તમામ બેઠકો પર મતદાનની ગણતરી આજે એટલે કે 8 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસને આ વખતે હરિયાણામાં બમ્પર જીતનો પૂર્ણ આત્મવિશ્વાસ હતો. શરૂઆતી વલણમાં જ લીડ મળી જતાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉજવણી શરૂ કરી હતી. પરંતુ જેમ જેમ મતગણતરી થવા લાગી એમ એમ કોંગ્રેસની બેઠકો ઘટતી ગઈ અને ભાજપને બહુમતી મળી.
'કોંગ્રેસે સવારે નકલી દુકાન ખોલી હતી...'
બીજેપી નેતા અનિલ વિજએ ભાજપ બહુમતીમાં આવતા દીપેન્દ્ર હુડ્ડા પર આકરા પ્રહારો કર્યા છે. અનિલ વિજે કહ્યું કે, 'અમે વિચાર્યું હતું તે પ્રમાણે પરિણામ આવી રહ્યા છે. કોંગ્રેસે વહેલી સવારે જુઠ્ઠાણાની દુકાન ખોલી હતી. ત્યાંથી નકલી પાણી, નકલી બિસ્કિટ, નકલી જલેબી આવી રહી હતી. જો તમે કોઈને નકલી જૂતા પહેરાવી દો તો ઘરે પહોંચતા પહોંચતા જૂતા ફાટી જાય છે. હવે તે ફાટી ગયા છે અને વાસ્તવિકતા સામે આવી છે.'
અનિલ વિજે દીપેન્દ્ર હુડ્ડા પર કર્યો કટાક્ષ
અનિલ વિજે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અંગે કહ્યું કે, કોંગ્રેસના એ જ નેતાઓ સવારે ઉજવણી કરી રહ્યા હતા, જેઓ હુડ્ડાને હરાવવા માંગતા હતા. જયારે બીજી તરફ મતગણતરી વચ્ચે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કુમારી શૈલજાએ કહ્યું હતું કે અમને આશા નહિ પરંતુ વિધ્વાસ છે કે હરિયાણામાં કોંગ્રેસ જ ચૂંટણી જીતશે.