હરિયાણા: EDએ પૂર્વ INLD ધારાસભ્ય દિલબાગ સિંહની કરી ધરપકડ, 5 દિવસની રેડમાં મળ્યા હતા કરોડો રૂપિયા
Image Source: Twitter
- આ સર્ચ ઓપરેશન પાંચ દિવસ સુધી ચાલ્યુ અને આજે પૂર્ણ થયુ
ચંદીગઢ, તા. 08 જાન્યુઆરી 2024, સોમવાર
EDએ કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સબંધિત મની લોન્ડરિંગના એક કેસમાં હરિયાણાના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહ અને તેમના સહયોગી કુલવિંદર સિંહની આજે ધરપકડ કરી લીધી છે. દિલબાગ સિંહ યમુનાનગર વિધાનસભા બેઠક INLDના પૂર્વ ધારાસભ્ય છે. એજન્સીએ 4 જાન્યુઆરીના રોજ તેમના અને સોનીપતથી કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારના અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન પાંચ દિવસ સુધી ચાલ્યુ અને આજે પૂર્ણ થયુ છે.
દરોડામાં મળ્યા હતા 5 કરોડ રૂપિયા
દિલબાગ સિંહ અને કુલવિંદર સિંહને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે અને બંનેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં એજન્સી તેમની આગળની કસ્ટડી માટે વિનંતી કરશે. EDએ દિલબાગ સિંહ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના પરિસરમાંથી ઓછામાં ઓછી પાંચ 'ગેરકાયદેસર' રાઈફલ્સ, 300 કારતૂસ અને ખોખા, 100થી વધુ દારૂની બોટલો અને પાંચ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
#WATCH | Yamunanagar, Haryana: The Enforcement Directorate has arrested former Haryana MLA of the Indian National Lok Dal (INLD) Dilbag Singh and his aide Kulwinder Singh in connection with an illegal mining case. pic.twitter.com/Fz1XSJdpZD
— ANI (@ANI) January 8, 2024
હરિયાણા પોલીસે પણ કરી હતી FIR
લીઝની મુદત પૂરી થતા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ બાદ પણ યમુનાનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં પથ્થરો, કાંકરી અને રેતીના કથિત ગેરકાયદેસર ખાણકામ અંગે હરિયાણા પોલીસ દ્વારા અનેક FIR નોંધવામાં આવી હતી. મની લોન્ડરિંગનો આ મામલો પણ તેની સાથે જ સબંધિત છે. કેન્દ્રીય એજન્સી ‘ઈ-રવાના’ યોજનામાં કથિત ગોટાળાની પણ તપાસ કરી રહી છે. ‘ઈ-રવાના’ એક ઓનલાઈન પોર્ટલ છે જેને હરિયાણા સરકારે રોયલ્ટી અને કરના સંગ્રહને સરળ બનાવવા અને ખાણકામ ક્ષેત્રોમાં કરચોરી અટકાવવા માટે 2020માં શરૂ કરવામાં આવી હતી.