કોંગ્રેસની ફ્રેન્ચાઈઝી નીતિને જોરદાર લપડાક, હુડ્ડાને સર્વસત્તા સોંપવાનું ભારે પડ્યું
Congress Franchise Policy: હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર કોંગ્રેસ હાઈકમાન્ડની ફ્રેન્ચાઈઝી નીતિને મળેલી વધુ એક લપડાક છે. કોંગ્રેસ હાઈકમાન્ડની રાજ્યોમાં સામૂહિક નેતૃત્ત્વ અપનાવવાના બદલે કોઈ એક નેતાને મોટો કરીને તેને સર્વસત્તાધીશ બનાવી દેવાની નીતિના કારણે કોંગ્રેસ સાવ પતી જવાના આરે આવી. છતાં હરિયાણામાં કોંગ્રેસે એ જ નીતિ અપનાવીને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને કોંગ્રેસની ફ્રેન્ચાઈઝી આપી દીધી હતી.
કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ
કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરવાથી માંડીને ચૂંટણી પ્રચાર સુધીની બધી સત્તા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને તેમના દીકરા દીપેન્દ્રસિંહ હુડ્ડા પાસે હતા. ભૂપેન્દ્રસિંહ અને દીપેન્દ્રસિંહની બાપ-બેટાની જોડીએ હરિયાણા કોંગ્રેસના બીજા નેતાઓને નારાજ કરીને મનમાની કરી તેમાં તેમની રાજકીય કારકિર્દી સામે તો સવાલ ઈભો થઈ જ ગયો છે. પરતુ હરિયાણામાં કોંગ્રેસના અસ્તિત્વ સામે પણ સવાલ ઊભો થઈ ગયો છે.
આ પણ વાંચો: દર વખતે ગઠબંધન કામ કરે તે જરૂરી નથી, કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલે સુધારા ન કરે તો વિજય મુશ્કેલ
હરિયાણામાં અત્યંત નિર્ણાયક એવી બે મતબેંક જાટ અને દલિત મતદારોની છે. આ પૈકી જાટ મતો ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના કારણે કોંગ્રેસ સાથે રહેશે. જ્યારે કુમારી શૈલજાના કારણે દલિત મતદારો કોંગ્રેસ સાથે રહેશે એવી ગણતરી હતી. આ સંજોગોમાં કોંગ્રેસે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સાથે સાથે કુમારી શૈલજાને પણ સાચવવાની જરૂર હતી. તેના બદલે શૈલજાને સાવ કોરાણે મૂકી દેવાયાં હતાં. બીજા જાટ નેતા રણદીપસિંહ સૂરજેવાલાને પણ બાજુ પર મૂકી દેવાયા હતા.
ભાજપને ફાયદો કેમ થયો?
ભાજપે તેનો ભરપૂર ફાયદો લીધો. ભાજપે એક તરફ દુષ્યંત અને અભય ચૌટાલાને ઉતારીને જાટ મતદારોને કોંગ્રેસથી દૂર જવામાં સફળતા મેળવી. જ્યારે બીજી તરફ સેલજાને કોંગ્રેસ અન્યાય કરી રહી હોવાનો મુદ્દો ઊઠાવીને દલિતોને પોતાની તરફ વાળવામાં અને ખાસ તો કોંગ્રેસથી દૂર લઈ જવામાં સફળતા મેળવી. જે દલિતો ભાજપને મત આપવા નહોતા માગતા તેમણે ચંદ્રશેખર આઝાદ, માયાવતીને મત આપ્યા. રામ રહીમ પણ દલિત મતદારોને કોંગ્રેસથી દૂર લઈ ગયા તેમાં ભાજપને ફાયદો થઈ ગયો.
કોંગ્રેસની આ નીતિએ અનેક રાજ્યોમાં ભારે નુકસાન કર્યું
કોંગ્રેસની ફ્રેન્ચાઈઝી નીતિએ ભૂતકાળમાં અનેક રાજ્યોમાં ભારે નુકસાન કર્યું છે. ગુજરાતમાં અહમદ પટેલને ફ્રેન્ચાઈઝી આપી દીધી તેમાં તો કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ. અહમદ પટેલે પોતાની મનમાની કરીને કોંગ્રેસમાં પોતાના જૂથ સિવાયના નેતાઓને ખતમ કરી નાંખવાના કાવાદાવા સિવાય કંઈ ના કર્યું તેથી કોંગ્રેસ અંદરો અંદર લડીને પડી ગઈ.
આ પણ વાંચો: હરિયાણામાં ભાજપની માઈક્રો મેનેજમેન્ટ સાથેની જબરદસ્ત વ્યૂહનીતિ કામ કરી ગઈ
મધ્ય પ્રદેશમાં લોકોએ ભાજપના 15 વર્ષના શાસનને નકારીને કોંગ્રેસને ફરી સત્તા આપી હતી. એ વખતે કોંગ્રેસ હાઈકમાન્ડે કમલનાથને ફ્રેન્ચાઈઝી આપી દીધી હતી. કમલનાથે મનમાની કરીને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના યુવા નેતાઓને વેતરવા માંડ્યા તેનાથી નારાજ થઈને સિંધિયા ભાજપમાં જતા રહેતાં કોંગ્રેસની સરકાર ગબડી ગઈ અને કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સાવ પતી ગઈ.
કોંગ્રેસે રાજસ્થાનમાં પણ અશોક ગેહલોતને ફ્રેન્ચાઈઝી આપી દીધી હોય એમ મનમાની કરવા દીધી. તેના કારણે યુવા નેતા સચિન પાયલોટ નારાજ થઈ ગયા તેની પણ હાઈકમાન્ડે પરવા ના કરી તેમાં રાજસ્થાનમાં પણ ભાજપ હારી ગયો. એ જ રીતે છત્તીસગઢમાં કોંગ્રેસે ભૂપેશ બઘેલને ફ્રેન્ચાઈઝી આપી હતી, તેના કારણે કોંગ્રેસનું નામું નંખાઈ ગયું. આસામમાં કોંગ્રેસે તરૂણ ગોગોઈને ફ્રેન્ચાઈઝી આપી દીધેલી તેથી નારાજ હિમંત બિસ્વ સરમા ભાજપમાં જતા રહ્યા ને અત્યારે મુખ્યમંત્રી છે. ઉત્તરાખંડમાં હરીશ રાવત, પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહ વગેરે પણ કોંગ્રેસના ફ્રેન્ચાઈઝી રાજકારણના નમૂના છે કે જેમના કારણે તેમનાં રાજ્યોમાં કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ.