ભાજપમાં ચૂંટણી પહેલાં જ ભાગમભાગ, વધુ બે કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
Haryana Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણી બાદથી ભાજપમાં જોરદાર ભાગમભાગ મચી છે. અત્યાર સુધી 50 થી વધુ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 5 ઓક્ટોબરે રાજ્યમાં મતદાન થવાનું છે અને તે પહેલાં જ ભાજપ છોડનારાઓની યાદી લાંબી થતી જઈ રહી છે.
હવે કોણે છોડ્યો ભાજપનો સાથ?
ભાજપના કિસાન મોરચાના અધ્યક્ષ સુખવિંદર માંડીએ શનિવારે કોંગ્રેસનો પંજો ઝાલ્યો. બડહરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂપિન્દર સિંહ હુડ્ડા અને હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાને સુખવિંદરનું પાર્ટીમાં સ્વાગત કર્યું. ભાજપે પત્તુ કાપતાં સુખવિંદર નારાજ હતા. બીજી બાજુ કરનાલના પૂર્વ ધારાસભ્ય જયપ્રકાશ ગુપ્તાએ પણ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. બંને ભાજપ નેતાઓએ તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં સત્તાવાર જોડાવાની જાહેરાત કરી હતી.
ભાજપના નેતાઓમાં કેમ નારાજગી?
અગાઉ શુક્રવારે હરિયાણા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી કરણ દેવ કંબોજ કોંગ્રેસમાં જોડાયા હતા. આગામી મહિને વિધાનસભાની ચૂંટણી માટે પત્તું કપાતાં તેમણે તાજેતરમાં જ ભાજપના રાજ્ય એકમના OBC મોરચાના વડા પદ પરથી રાજીનામું આપ્યું હતું. કંબોજની રાદૌર અથવા ઈન્દ્રી બેઠક પરથી ટિકિટ મેળવવા માગતા હતા. કંબોજે ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે ભાજપે ઘણા નવા નેતાઓ અને પક્ષપલટુઓને ટિકિટ આપી છે, જ્યારે વર્ષોથી પાર્ટી માટે કામ કરી રહેલા લોકોની અવગણના કરાઈ રહી છે.