હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ભાજપની 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, આ બેઠકથી લડશે CM
Haryana Assembly Election: હરિયાણા લોકસભા ચૂંટણી પહેલા ભાજપે 67 ઉમેદવારોની પહેલા યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદી અનુસાર સીએમ નાયબ સિંહ સૈનીની બેઠક બદલી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં તેઓ લાડવા બેઠકથી ચૂંટણી લડશે હાલ તેઓ કરનાલ બેઠકથી ધારાસભ્ય છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટથી ચૂંટણી લડશે.
શું અટકળો સાચી સાબિત થશે?
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીની તારીખોના એલાન બાદ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીની તૈયારી તેજ કરી દીધી છે. ત્યારે હવે હરિયાણાના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ બંને ખેલાડીઓએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ બંને પહેલવાનો અને રાહુલ ગાંધીની મુલાકાતની તસવીર સામે આવી હતી. ઘણા દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી કરી શકે છે. રાહુલ ગાંધી સાથે મુલાકાત પહેલા જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે જો વિનેશ ફોગટ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે તો તે કોંગ્રેસમાં સામેલ શકે છે. તાજેતરમાં જ વિનેશે જીંદ, રોહતક અને શંભુ બોર્ડર ખાતે ખાપ પંચાયતો અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેને ખાપ પંચાયત દ્વારા ગોલ્ડ મેડલથી સમ્માનિત કરવામાં આવી હતી. વિનેશે કહ્યું કે, જ્યારે હું મુશ્કેલીમાં હતી ત્યારે ખેડૂતોએ મારો સાથ આપ્યો હતો.
કોંગ્રેસે પણ વિનેશને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પગલાં લીધાં છે. જ્યારે વિનેશે સંન્યાસની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા તેની સાથે નજર આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ વિનેશને રાજ્યસભામાં મોકલવાની માગ કરી હતી, જોકે તેની ઉંમરને કારણે આ શક્ય નહોતું. વિનેશના કાકા મહાવીર ફોગટ અને પિતરાઈ બહેન બબીતા ફોગાટે કોંગ્રેસની આ પહેલની ટીકા કરી હતી.
વિનેશની રાજનીતિમાં એન્ટ્રીથી શું થશે?
વિનેશ ફોગાટની રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ આવશે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેને ચૂંટણીમાં મોટું સમર્થન અપાવશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
હરિયાણામાં ક્યારે થશે ચૂંટણી?
હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.