‘પીટી ઉષા ભાજપની તરફેણમાં, ઓલમ્પિક વખતે મને સાંત્વના પણ ન આપી’ વિનેશ ફોગાટનો આક્ષેપ
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા જાણીતા પહેલવાન વિનેશ ફોગાટએ ભારતીય ઓલમ્પિક સંઘના પ્રમુખ અને એક જમાનાના રનર પીટી ઉષા પર ગંભીર આરોપ મૂક્યો છે. પીટી ઉષા ભાજપ તરફી રાજનીતી કરી રહ્યા હોવાનું ફોગાટ માની રહ્યા છે.
ઉષા માત્ર ફોટો પડાવી જતા રહ્યા, મને સાંત્વના પણ ન આપી : ફોગાટ
ફોગાટએ કહ્યું છે કે, પેરીસ ઓલમ્પિકમાં જ્યારે એમને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં પીટી ઉષા એમને મળવા માટે આવ્યા હતા. એ વખતે પીટી ઉષાએ ફોગાટ સાથે કોઈ વાત કરી નહોતી કે એમને સાંત્વના આપી નહોતી. ફક્ત ફોટા પડાવીને તરત બહાર નીકળી ગયા હતા. આ પ્રસંગ પછી વિનેશ ફોગાટનું દિલ તૂટી ગયું હતું અને ખૂબ નિરાશ થઈ ગયા હતા.
ભાજપ-દેવીલાલ કુટુંબનો 52 વર્ષ જૂનો સંબંધ તૂટયો
હરિયાણાની રાજનીતીમાં ભાજપ અને દેવીલાલ કુટુંબ વચ્ચે 52 વર્ષથી સંબંધ હતો. હરિયાણામાં ભાજપન (જનસંઘ)ના જનક કહેવાતા ડો. મંગલસેન અને ચૌધરી દેવીલાલની દોસ્તીની વાતો હરિયાણાના લોકો આજ સુધી ભૂલ્યા નથી. પાછળથી આ બંનેની મિત્રતા રાજકીય ગઠબંધનમાં પરિણમી હતી. ચૌધરી દેવીલાલ 1977માં મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે મંગલસેનને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે હરિયાણા ભાજપના કેટલાક નેતાઓના અહંકારને કારણે આ સંબંધનો અંત આવ્યો છે.
જુલાનાની બેઠકમાં બે મહિલા પહેલવાનો વચ્ચે રાજકીય કુશ્તી જામશે
કોંગ્રેસે જુલાનાની બેઠક પરથી વિનેશ ફોગાટને મેદાનમાં ઉતારીને ઓલમોસ્ટ ભાજપને મોટો ફટકો આપ્યો હતો. મહિલા પહેલવાન વિનેશ ફોગાટ જીતવા માટે હોટફેવરિટ ગણાવા લાગ્યા હતા, પરંતુ એ બેઠક પર ટ્વિસ્ટ ભાજપે નહીં આમ આદમી પાર્ટીએ લાવ્યો છે. આમ આદમી પાર્ટીએ કવિતા દલાલને મેદાનમાં ઉતાર્યા છે. કવિતા દલાલ મહિલા પહેલવાન હતા. લેડી ખલીના ઉપનામથી જાણીતા થયેલા કવિતા દલાલ ડબલ્યુ ડબલ્યુ ઈમાં દેશના પ્રથમ પ્રોફેશ્નલ રેશલર હતાં. આપ અચાનક આવો દાંવ ખેલશે એની કલ્પના કોંગ્રેસે કરી ન હતી.