મારા લોહીમાં કોંગ્રેસ...: ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે કુમારી શૈલજાએ મૌન તોડ્યું
Haryana Assembly Polls: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શૈલજા કુમારી અને પ્રદેશ કોંગ્રેસ વચ્ચે વધી રહેલા મતભેદો વચ્ચે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે તેમને ભાજપમાં જોડાવવા ઓફર કરી હતી. જેના પર શૈલજા કુમારીએ કોઇ જવાબ ન આપતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી હતી કે શૈલજા કુમારી ભાજપના સંપર્કમાં છે. પરંતુ લાંબા સમય સુધી મૌન રહ્યાં બાદ હવે કુમારી શૈલજાએ પોતે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
મારા લોહીમાં કોંગ્રેસઃ કુમારી શૈલજા
ભાજપની ઓફર પર પ્રતિક્રિયા આપતા કુમારી સેલાજએ કહ્યું કે, 'કોંગ્રેસ મારા લોહીમાં છે. હું પાર્ટી છોડવાનું વિચારી પણ શકતી નથી. ભાજપ અને મનોહર લાલ ખટ્ટરે અફવાઓ ફેલાવવાનું બંધ કરવું જોઈએ. હાલમાં કોંગ્રેસ દ્વારા હરિયાણામાં પ્રચાર માટેનો કાર્યક્રમ હજુ નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ એક સપ્તાહથી વધુ સમયથી કુમારી શૈલજા હરિયાણામાં ચૂંટણી પ્રચારથી દૂર છે. જેના કારણે અનેક અટકળોએ જોર પકડ્યું હતું.
આ પણ વાંચોઃ નીતિશ કુમારે PM મોદીને પત્ર લખીને કરી આ ખાસ માંગ, કારણ પણ આપ્યું
મનોહર લાલે શું કહ્યું?
કુમારી શૈલજા અંગે ચાલતી અટકળોનો લાભ લેવા માટે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે તેમને ભાજપમાં જોડાવવા ઓફર કરી હતી. પત્રકારોએ જ્યારે તેમને સવાલ પુછ્યો કે કુમારી શૈલજા ભાજપમાં ક્યારે જોડાશે તો મનોહર લાલે જવાબ આપતાં કહ્યું કે, 'આ તો શૈલજાથી પુછવું પડશે, હું આ અંગે કંઇ જણાવી શકતો નથી, પરંતુ કોંગ્રેસે જે રીતે તેમની સાથે વ્યવહાર કર્યો છે, એવી સ્થિતિમાં કોઇ સ્વાભિમાની વ્યક્તિ તેના આગામી પગલાં અંગે જરૂર વિચાર કરશે.'
આ પણ વાંચોઃ તમામ મંદિરોમાં કરાશે 'સફાઇ કાર્યવાહી': તિરૂપતિ પ્રસાદ વિવાદની વચ્ચે નાયડુની મોટી જાહેરાત
ભૂપેન્દ્ર હુડ્ડા અને શૈલજા વચ્ચે મતભેદ
હરિયાણા કોંગ્રેસના ઘણા નેતાઓનું માનવું છે કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કુમારી શૈલજા વચ્ચે લાંબા સમયથી આંતરિક મતભેદ છે. આ વખતે ચૂંટણીમાં બંને મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી રહ્યા છે. કુમારી શૈલજાએ સ્પષ્ટ કહ્યું છે કે મુખ્યમંત્રી પદ પર દાવો કરવાનો તેમની પાસે અધિકાર છે. કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓએ બંને વચ્ચે અંતર ઘટાડવાના પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ પાછલા કેટલાક સમયથી બંને વચ્ચે મતભેદો સતત વધી રહ્યા છે.