હરિયાણા ચૂંટણી માટે ભાજપની 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, બબીતા ફોગાટ સહિત આ દિગ્ગજનો નામ સામેલ
Haryana Assembly Elections : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 12 સપ્ટેમ્બરે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત 40 નામ સામેલ છે. રાજ્યમાં વિધાનસભાની 90 બેઠકો છે. કોઈપણ રાજકીય પક્ષને સરકાર બનાવવા માટે 46 ધારાસભ્યોની જરૂર પડશે. ત્યારે હરિયાણામાં અનેક પડકારોનો સામનો કરી રહેલી ભાજપે કેન્દ્રીય નેતૃત્વના દિગ્ગજ અને લોકપ્રિય નેતાઓને સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કર્યા છે.
કયા દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર?
ભાજપે સ્ટાર પ્રચારકોની જાહેર કરેલી યાદીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, બબીતા ફોગાટ, હેમા માલિની, કિરણ ચૌધરી, ધરમબીર સિંહ, નવીન જિંદાલ, અશોક તંવર, મનોજ તિવારી, સંજીવ બાલિયાન, કુલદીપ બિશ્નોઈ, રામચંદર જાંગરા જેવા દિગ્ગજ નેતાઓને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભાજપમાં આંતરિક અસંતોષ
ભાજપની યાદી જાહેર થયા બાદ અનેક જિલ્લાઓમાં પાર્ટીના જૂના નેતાઓ નારાજ છે. જેમાં પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ ઘણા પક્ષપલટુ નેતાઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જે પાર્ટીના દિગ્ગજ નેતાઓને પસંદ નથી આવ્યું. અત્યાર સુધી ભાજપના 20થી વધુ દિગ્ગજ નેતાઓ પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે.
હરિયાણામાં ભાજપ વિરોધી લહેર
હરિયાણામાં પાંચ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીં 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ભાજપ હવે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. જાતિ અને અનામતના મુદ્દા ભાજપ માટે મોટા પડકાર બની ગયા છે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ પાસે રાજ્યમાં હવે કોઇ મજબૂત સહયોગી નથી છે.
આ પણ વાંચોઃ મમતા બેનરજીએ રાજીનામાની ઓફર કરતા હડતાળિયા ડૉક્ટરો ભડક્યા, CM પર કર્યા ગંભીર આક્ષેપ
હરિયાણામાં ક્યારે થશે ચૂંટણી?
હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.