હરિયાણા ભાજપમાં ભડકો: ટિકિટ ન મળતાં પૂર્વ મંત્રીએ પાર્ટી છોડી, 20થી વધુ નેતાઓના રાજીનામા
Haryana Assembly Elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જીંદ જિલ્લાના સફીદથી ભાજપના નેતા બચ્ચન સિંહ આર્યએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. અહેવાલો અનુસાર,ટિકિટ ન મળવાના કારણે બચ્ચન સિંહ નારાજ હતા. આ અંગે તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાત કરી હતી. જો કે, ભાજપે તેમના સ્થાને જેજેપી ધારાસભ્ય રામકુમાર ગૌતમને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, અગાઉ 20થી વધુ નેતાઓએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા છે.
વર્ષ 2019માં બચ્ચન સિંહ 3 હજાર મતથી હાર્યા હતા
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019માં બચ્ચન સિંહે ભાજપ તરફથી ચૂંટણી લડી હતી. જો કે તેઓ લગભગ 3 હજાર મતોથી હારી ગયા હતા. તેઓ 2024ની ચૂંટણી માટે જોરદાર તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ભાજપે નારનૌદથી પૂર્વ જેજેપી ધારાસભ્ય રામકુમાર ગૌતમને ટિકિટ આપી છે. ત્યારથી ભાજપના નેતા બચ્ચન સિંહ આર્ય નારાજ હતા અને આજે (સાતમી સપ્ટેમ્બર) ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી 31 ઉમેદવારોની યાદી, વિનેશ ફોગાટને આ બેઠક પરથી આપી ટિકિટ
રણજીત સિંહ ચૌટાલાએ ભાજપ સાથે છેડો ફાડ્યો
અગાઉ સિરસા જિલ્લાના રાનિયાથી ધારાસભ્ય રહેલા રણજીત સિંહ ચૌટાલાએ પણ સૈની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. રણજીત સિંહ ચૌટાલા મનોહર લાલ ખટ્ટર અને નાયબ સિંહ સૈની બન્નેની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. ભાજપે તેમને લોકસભા ચૂંટણીમાં હિસારથી ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. તેમને રાનિયા પાસેથી ટિકિટ જોઈતી હતી પરંતુ ભાજપે તેમને ટિકિટ ન આપતાં તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
ટિકિટ ન મળતાં ભાજપના નેતા નારાજ
ગુડગાંવ વિધાનસભા બેઠકની ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના નેતા જી. એલ. શર્માએ શુક્રવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) તેમના સમર્થકો સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, તેઓ હવે કોંગ્રેસમાં જોડાશે. અગાઉ ભાજપના નેતા નવીન ગોયલે પણ તેમના સમર્થકો સાથે રાજીનામું આપી દીધું હતું. બાદશાહપુર વિધાનસભા મતવિસ્તારમાંથી રાવ નરબીર સિંહને આપવામાં આવેલી ટિકિટના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ માર્ચ પણ કાઢી હતી. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ગોયલની સાથે પાર્ટીના 100થી વધુ અધિકારીઓ અને કાર્યકરોએ પણ પાર્ટી છોડી દીધી હતી.
હરિયાણામાં પાંચમી ઑક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ 20થી વધુ નેતાઓએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા છે. ટિકિટ ન મળવાથી નારાજ ધારાસભ્ય લક્ષ્મણદાસ નાપાએ પાર્ટી છોડી દીધી. પૂર્વ મંત્રી કરણ દેવ કંબોજે પણ તેમની ઉમેદવારીને અવગણ્યા બાદ રાજ્ય ભાજપ OBC મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.