શું I.N.D.I.A. ગઠબંધનને લાગશે ઝટકો? રાહુલ ગાંધીની ઈચ્છા છતાં કોંગ્રેસ-AAPમાં ન થયું ગઠબંધન, આ ત્રણ કારણ જવાબદાર
Haryana Election AAP And Congress not Succeed for Alliance: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)એ 20 ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવાનું સપનુ તૂટી ગયુ છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં જ રાજ્યના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરી ગઠબંધનનો સંકેત આપ્યો હતો. પરંતુ પક્ષમાં બે મત હોવાથી અને આપની અમુક શરતોના કારણે ગઠબંધન થઈ શક્યુ નહીં.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આપએ આ પગલાંથી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, હરિયાણની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આપ વચ્ચે વાત જામી નથી, તેથી તેમનું ગઠબંધન થઈ શક્યુ નહીં. ઉલ્લેખનીય છે, આપ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરતાં હજુ વધુ બેઠક માટે ઉમેદવારો રજૂ કરશે, તેવી જાહેરાત કરી છે.
કોંગ્રેસ અને આપનું મિલન કેમ ન થઈ શક્યું
હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસ અને આપનું ગઠબંધન ન થવા પાછળ ત્રણ કારણો જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
1. આપ 20 બેઠકો પરથી ચૂંટણી લડવા માગતી હતી, જેમાં અંતે ઓછામાં ઓછી નવ બેઠકો તો તેને ફાળવવા શરત મૂકી હતી, પરંતુ કોંગ્રેસ પાંચ બેઠકો જ આપવા માગતી હતી.
સુત્રો અનુસાર, જો આપ પાંચ બેઠક લેવા સહમત પણ થઈ જતી, તો પણ કોંગ્રેસ તેની મનપસંદ બેઠકો આપવા માગતી ન હતી.
2. બંને પક્ષ પોતાને મજબૂત દાવેદાર માને છે, કોંગ્રેસનું સંપૂર્ણ કેડર છે, આપ પણ બે રાજ્યોમાં સરકાર ધરાવે છે.
3. ત્રીજું કારણ કોંગ્રેસના ઉદયભાન-ભુપેન્દ્ર હુડ્ડાની નારાજગી હતી. તેઓ આપ સાથે ગઠબંધન કરવા માગતા ન હતાં. કોંગ્રેસના પ્રભાવશાળી નેતાએ ગઠબંધનની સંભાવનાઓ નષ્ટ કરી હોવાનું આપના સુત્રોએ જણાવ્યું.
કોંગ્રેસ આપને નબળી બેઠકો આપી રહી હતી
કોંગ્રેસ નેતાઓના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન ન થવાનું સૌથી મોટુ પરિબળ બેઠકોની પસંદગી હતી. કોંગ્રેસ કલાયત, પિહોવા, જિંદ, ગુહલા, અને સોહના જેવી બેઠકો છોડવા તૈયાર ન હતી. જ્યારે આપના સુત્રો મુજબ, કોંગ્રેસ તેને નબળી બેઠકો આપી રહી હતી.