હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોએ કરી મોટી જાહેરાત, ભાજપની વધશે ચિંતા
Haryana Assembly Elections 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત સંગઠનો ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સોનીપતમાં બિનરાજકીય પક્ષ યુનાઈટેડ કિસાન મોરચાના કિસાન નેતાઓ અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. 15 સપ્ટેમ્બરે જીંદના ઉચાના કલાનના ખેડૂતોએ મહાપંચાયત બોલાવી છે.
ખેડૂત નેતા અભિમન્યુ કોહરે ભાજપ સરકારને ચેતવણી આપતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જોરદાર વિરોધ કરવામાં આવશે. ખેડૂત સંગઠનો કોઈપણ પક્ષ માટે મત માંગશે નહીં.
ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ અને શહીદ થયેલા ખેડૂતોનો બદલો લેવાશે
તેમણે વધુમાં કહ્યું, “અમે હરિયાણામાંથી ભાજપને સાફ કરવા માટે કામ કરીશું. કિસાન મહાપંચાયતમાં દેશભરમાંથી મોટા ખેડૂત નેતાઓ એકઠા થશે. ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ અને ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોનો બદલો વોટ લેવામાં આવશે.
દેશના સ્ટાર કુસ્તીબાજોને તેમની નવી શરૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન :અભિમન્યુ કોહર
અભિમન્યુ કોહરે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના રાજનીતિક શરુઆતને લઈને પણ તેમની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, "દેશના સ્ટાર કુસ્તીબાજોને તેમની નવી શરૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન. અમારા આંદોલનમાં બંનેએ આપેલો સહકાર અમે ભૂલવાના નથી. અમે બિનરાજકીય પક્ષોના નેતાઓ તેમના માટે વોટની અપીલ નહીં કરીએ."
મારા મનમાં જે આવ્યું તે વ્યક્ત કર્યું : અભિમન્યુ કોહર
આ પહેલા અભિમન્યુ કોહરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું, મારા મનમાં એક પ્રશ્ન ઘણા સમયથી ચાલતો હતો, કે રાજનીતિમાં એવો શું રસ છે ક જેના કારણે સમાજનું સમર્થન, સ્નેહ અને આશિર્વાદ પણ ફીકા પડી જાય છે? હું વિચારતો હતો કે મારે લખવું જોઈએ કે નહીં, પછી મેં વિચાર્યું કે મારા મનમાં જે આવ્યું તે વ્યક્ત કરવું જોઈએ, તેથી મેં આ લખ્યું.
ભાજપે ખેડૂતભાઈઓનું કરેલું અપમાન યાદ છે કે તમે ભૂલી ગયા : અભિમન્યુ કોહર
ખેડૂત નેતાએ 5 સપ્ટેમ્બરે એક પોસ્ટ પણ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, "ખેડૂત-મજૂર ભાઈઓ, તમને યાદ છે કે તમે ભૂલી ગયા છો?" ભાજપના નેતાઓએ કેવી રીતે ખેડૂતો, મજૂરો અને આંદોલનકારીઓનું અપમાન કર્યું હતું, તે ફરી એકવાર યાદ કરાવવાનું વિચાર્યું. આ સરમુખત્યારશાહી અને નિરંકુશ લોકોનો હિસાબ વિધાનસભાની ચૂંટણીમાં વ્યાજ સાથે આપવો પડશે.
તમને જણાવી દઈએ કે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં 5 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ઓક્ટોબરે થશે.