ચૂંટણી પ્રચારના છેલ્લા કલાકોમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટરની એન્ટ્રી, જાણો કયા પક્ષના નેતાના સમર્થનમાં ઉતર્યા
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના છેલ્લા કલાકોમાં પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે એન્ટ્રી કરી છે. વિરેન્દ્ર સહેવાગે હરિયાણાની તોશામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે મત માંગ્યા હતા. આ પહેલા સહેવાગે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરીને પણ અનિરુદ્ધ ચૌધરીના સમર્થનના સંકેત આપ્યા હતા. તોશામ બેઠક પર આ વખતે એક જ પરિવારમાં જંગ જામી છે. આ ચૂંટણીમાં તોશામ પર ભાઈ-બહેન વચ્ચે જ મુકાબલો જામતાં આ બેઠક ભારે ચર્ચામાં આવી છે.
ભાઈ-બહેન વચ્ચે મુકાબલો
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલની પૌત્ર અને પૌત્રી વચ્ચે મુકાબલો થવાનો છે. અનિરુદ્ધ ચૌધરી પોતાની પિતરાઈ બહેન શ્રુતિ ચૌધરી સામે ચૂંટણી લડવાના છે. શ્રુતિ અગાઉ ભિવાની મહેન્દ્રગઢ લોકસભા ક્ષેત્રથી સાંસદ રહી ચૂક્યા છે. તોશામની ફેમિલી ફાઇટમાં અગાઉ કોંગ્રેસ નેતા તરફથી અભિનેતા રાજ બબ્બરે પણ જોર લગાવ્યું હતું. તોશામ બેઠક પર અત્યાર સુધી ક્યારેય કમળ ખીલ્યો નથી. જો કે, આ વખતે શ્રુતિ ચૌધરી તરફથી ભાજપને જીતની આશા છે.
બંસીલાલ પરિવારનો કબજો
હરિયાણાની તોશામ એવી બેઠક છે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના નિધન બાદ પણ તેમના પરિવારનો કબજો છે. અત્યાર સુધી કોઈ પણ અન્ય પાર્ટી આ બેઠક પર જીત હાંસલ કરી શકી નથી. 1987ની ચૂંટણીમાં લોકદળના ઉમેદવાર ધર્મબીરે બંસીલાલને મ્હાત આપી હતી, પરંતુ બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવતાં કોર્ટે તે ચૂંટણીને રદ કરી હતી. આમ આ વખતે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરનો મુકાબલો જામતાં સૌની નજર આ બેઠક પર છે.