Get The App

હરિયાણામાં પરિણામ જાહેર થયા બાદ ભાજપની 3 બેઠક અચાનક વધી, 51 પર પહોંચ્યો આંકડો, જાણો કારણ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
Haryana Independent MLAs


Haryana Assembly Election Result: હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઇ રહી છે. ચૂંટણી પરિણામ પહેલાં રાજ્યમાં કોંગ્રેસની મજબૂત પકડ હતી. એક્ઝિટ પોલામાં પણ ભાજપની નબળી સ્થિતિ દેખાઇ રહી હતી. જો કે, બહુમતી હાંસલ કરી ભાજપે સૌને ચોંકાવી દીધા છે. ભાજપે ચૂંટણીમાં 48 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસ 37 બેઠકોમાં જ સમેટાઇ ગઇ હતી. આ સ્થિતિ દરમિયાન રાજ્યમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં, રાજ્યમાં જીતેલા ત્રણેય અપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપતા ભાજપની બેઠકો 48થી વધીને 51 થઇ ગઇ છે.

અપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠક, કોંગ્રેસે 37 બેઠક, દુષ્યંત ચૌટાલાના પક્ષ આઇએનએલડીને બે બેઠક તેમજ અપક્ષ ઉમેદવારોને ત્રણ બેઠક મળી હતી. હવે પરિણામ આવ્યા બાદ રાજ્યના ત્રણેય અપક્ષ ઉમેદવાર- દેવેન્દ્ર કાદયાન, રાજેશ જૂન અને સાવિત્રી જિંદાલે ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું છે. જે બાદ ભાજપની બેઠક 50 પાર થઇ 51 થઇ ગઇ છે.

આ પણ વાંચોઃ હરિયાણામાં કોંગ્રેસની હારના પાંચ મુખ્ય કારણ, નેતાઓએ રાહુલ ગાંધીની આ વાત ના માની!

ભારતના સૌથી ધનિક મહિલાનું ભાજપને સમર્થન

હિસાર બેઠક પરથી જીત હાંસલ કરનારા ભારતના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું છે. તેઓ માર્ચમાં ભાજપમાં જોડાયા હતા પરંતુ પાર્ટી તરફથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હવે જીત મેળવ્યા બાદ તેઓ પોતાના સાંસદ પુત્ર નવીન જિંદાલ સાથે ભાજપના દિગ્ગજ નેતા ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપમાં ફરી જોડાયા છે.

બળવાખોર દેવેન્દ્ર કાદયાનનું પણ ભાજપને સમર્થન

મીડિયા સાથે વાતચીત કરતા ગન્નૌર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય દેવેન્દ્ર કાદયાને કહ્યું કે, 'હું ભાજપ સરકારને સમર્થન આપી રહ્યો છું. ગન્નૌરના 36 સમુદાયોએ મને મત આપી જીત અપાવી છે માટે તેમની આશાઓ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે હું સરકારને સહકાર આપું. હું પહેલાં પણ ભાજપમાં હતો અને એ લોકો મારા પરિવારની જેમ જ છે. હું પાર્ટીમાં જોડાઇ રહ્યો નથી પરંતુ સરકારને સમર્થન આપીશ.' નોંધનીય છે કે, કાદયાને ભાજપમાં બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

આ પણ વાંચોઃ હરિયાણામાં ભૂંડી હાર બાદ આપનું મોટું એલાન, દિલ્હીમાં એકલા ચાલો રે.... કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં

રાજેશ જૂન ભાજપમાં જોડાયા

રાજ્યના અન્ય બે અપક્ષ ધારાસભ્યોએ સરકારને સમર્થન આપતા ત્રીજા અપક્ષ ઉમેદવાર રાજેશ જૂને પણ ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું હતું. તેઓ કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે, રાજેશ જૂને બહાદુરગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવારને કારમી હાર આપી જીત હાંસલ કરી હતી.



Google NewsGoogle News