'હરિયાણાએ ઈતિહાસ રચી દીધો, પરજીવી પાર્ટીને આપ્યો જડબાતોડ જવાબ', PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર
PM Modi on Elections Result: હરિયાણામાં ભાજપે અનેક પડકારોનો સામનો કરી મોટી જીત હાંસલ કરી છે. હરિયાણાના ચૂંટણી પરિણામે સૌને ચોંકાવી દીધા છે. સતત ત્રીજી વખત જીત મળતાં ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરી હરિયાણાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેઓ રાત્રે 8 વાગ્યે દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ભાજપના કાર્યકરોને સંબોધિત કરવા માટે પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
દિલ્હી મુખ્યાલય ખાતે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત
ભાજપના મુખ્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો. હરિયાણા તેમજ જમ્મુ કાશ્મીરની જનતા અને કાર્યકરોઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન વડાપ્રધાન ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
હરિયાણાના લોકોએ કમળ-કમળ કરી દીધું : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, હરિયાણાના લોકોએ કમાલ કરી દીધી. હરિયાણાના લોકોએ કમળ-કમળ કરી દીધું.
વડાપ્રધાન મોદીએ નેશનલ કોન્ફરન્સને આપી શુભેચ્છા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે, માં કાત્યાયનીની આરાધનાનો દિવસ છે. આ ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુસાશાનની જીત છે. જમ્મુ કાશ્મીરમાં દાયકાઓ બાદ શાંતિપૂર્ણ ચૂંટણી અને મતગણતરી થઈ છે. આ લોકશાહીની જીતને દર્શાવે છે. હું નેશનલ કોન્ફરન્સને શુભેચ્છા પાઠવું છું.'
હરિયાણામાં હેટ્રિક લગાવનારી ભાજપ પહેલી પાર્ટી : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હરિયાણાની રચના બાદ દર પાંચ વર્ષમાં સરકાર બદલાય છે. એવું પહેલીવાર થયું છે કે પાંચ વર્ષના બે કાર્યકાળ પૂરા કરનારી પાર્ટીને ત્રીજી વખત જનતાએ મત આપ્યો. આવું પહેલીવાર થયું. એવું લાગે છે કે હરિયાણાના લોકોએ 'છપ્પર ફાડકર'ને વોટ આપ્યા.
આંતરરાષ્ટ્રીય ષડયંત્ર થઈ રહ્યા : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગત કેટલાક સમયથી ભારત વિરૂદ્ધ વિવિધ પ્રકારના ષડયંત્રો રચાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ષડયંત્રો થઈ રહ્યા છે. હું જવાબદારી સાથે કહી રહ્યો છું કે કોંગ્રેસ પાર્ટીના લોકો આ ખેલમાં સામેલ છે. હરિયાણાના લોકોએ એવા લોકોને જડબતોડ જવાબ આપ્યો.
અનામતને લઈને વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાહી પરિવારે તો કહ્યું હતું કે તેઓ અનામત ખતમ કરી દેશે. હરિયાણામાં એજ કરવા જઈ રહ્યા હતા, જો સરકાર બની હોત. તેઓ સમાજને નબળો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. હરિયાણાના ખેડૂતોને કેવી રીતે ભડકાવવાનો પ્રયાસ કરાયો પરંતુ તેમણે જવાબ આપી દીધો.
'ચાંદીની ચમચી લઈને પેદા થનારા, જાતિનું ઝેર ફેલાવી રહ્યા છે'
વડાપ્રધાને કહ્યું કે, દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે જાતિનું ઝેર ફેલાવવા પર કોંગ્રેસ ઉતરી આવી છે. જે ચાંદીની ચમચી લઈને પેદા થયા છે તેઓ જાતિના નામ પર લડાવી રહ્યા છે. આ કોંગ્રેસ છે જેમણે દલિત અને પછાત વર્ગ પર સૌથી વધુ અત્યાચાર કર્યો.
'વધુ પડતા ભાગોમાં કોંગ્રેસ માટે નો એન્ટ્રીનું બોર્ડ'
વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસની એવી હાલત છે કે ગતવખત ક્યારે સરકારની વાપસી થઈ ખબર નથી. આસામમાં એકવાર જરૂર સરકારની વાપસી થઈ પરંતુ ત્યારબાદ કોંગ્રેસની વાપસી નથી થઈ શકી. દેશમાં અનેક રાજ્ય એવા છે જ્યાં કોંગ્રેસ માટે નો એન્ટ્રીના બોર્ડ લાગી ચૂક્યા છે.
કોંગ્રેસે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ તો પીએમ મોદીએ આપ્યો જવાબ
વડાપ્રધાને કહ્યું કે, આજે પણ કોંગ્રેસે દેશની જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો. ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસની આ આદત રહી છે અને શરમજનક રીતે આવી કરતૂતો કરતી આવી છે.
'370 હટશે તો કાશ્મીર સળગશે, શું આવું થયું?'
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરત બોલતા પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકો કહેતા હતા કે કલમ 370 હટશે તો કાશ્મીર સળગશે. આજે જુઓ 1947 બાદ પહેલીવાર અમારી સરકારે બીડીસીની ચૂંટણી કરાવી. હવે તમામ સ્તરે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ કામ કરશે.
'કોંગ્રેસે પોતાના સહયોગીઓની પણ નાવ ડૂબાવી દીધી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં તેમના (કોંગ્રેસના) સહયોગી પહેલાથી ચિંતામાં હતા કે કોંગ્રેસના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે. તમને યાદ હશે કે ચૂંટણી પરિણામોમાં પણ આપણે એ જોયું. લોકસભામાં કોંગ્રેસે જે બેઠકો જીતી, તેમાંથી અડધી તેમના સાથી પક્ષોના કારણે જીતી. આ સિવાય જ્યાં સાથી પક્ષોએ કોંગ્રેસ પર ભરોસો કર્યો, તે સહયોગીઓની પણ નાવ ડૂબી ગઈ. અનેક રાજ્યોમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનનું નુકસાન તેમના સહયોગીઓને પણ ભોગવવું પડ્યું. કોંગ્રેસ એવી પરજીવી પાર્ટી છે જે પોતાના સહયોગીઓને જ ગળી જાય છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનું સંબોધન
હરિયાણાની જીત પીએમ મોદીના પરિશ્રમનું પરિણામ : જે.પી. નડ્ડા
દિલ્હી ભાજપ હેડક્વાર્ટર પરથી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે, 23 વર્ષથી નરેન્દ્ર મોદી સેવા કરી રહ્યા છે. હરિયાણાના પરિણામોએ જણાવી દીધું કે તેમનો પરિશ્રમ એળે નથી ગયો. જે સમર્પણ ભાવથી દેશનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કર્યો છે, તેને સૌએ જોયો છે. 'મોદી હે તો મુમકિન હે'.
હરિયાણામાં કોંગ્રેસને લોકોએ પાઠ ભણાવ્યો : જે.પી. નડ્ડા
નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જનતાએ કોંગ્રેસની નીતિઓને નકારી દીધી. જ્યાં કોંગ્રેસ છે ત્યાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું, જ્યારે ભાજપે આના પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો. ભાજપ સરકાર રિપોર્ટ કાર્ડ આપે છે. કોંગ્રેસના જૂઠને હરિયાણાની જનતાએ નકારી દીધું છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી
વડાપ્રધાન મોદીએ એક્સ પર ટ્વિટ કરી લખ્યું કે, હરિયાણાનો હૃદયથી આભાર! ભારતીય જનતા પાર્ટીને ફરી એક વાર સ્પષ્ટ બહુમત આપવા માટે હું હરિયાણાની જનશક્તિને નમન કરૂં છું. આ વિકાસ અને સુશાસનના રાજકારણની જીત છે. હું રાજ્યના તમામ લોકોને ખાતરી આપું છું કે ભાજપ તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઇ કચાશ રાખશે નહીં.
हरियाणा का हृदय से आभार!
— Narendra Modi (@narendramodi) October 8, 2024
भारतीय जनता पार्टी को एक बार फिर स्पष्ट बहुमत देने के लिए मैं हरियाणा की जनशक्ति को नमन करता हूं। यह विकास और सुशासन की राजनीति की जीत है। मैं यहां के लोगों को विश्वास दिलाता हूं कि उनकी आकांक्षाओं को पूरा करने के लिए हम कोई कोर-कसर नहीं छोड़ेंगे।
વડાપ્રધાને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન મોદીએ કાર્યકરોને અભિનંદન પાઠવતા કહ્યું કે, 'આ મહાવિજય માટે અથાક પરિશ્રમ અને પૂર્ણ સમર્પિત ભાવ સાથે કામ કરનારા અમારા તમામ કાર્યકર મિત્રોને મારી તરફથી ખૂબ-ખૂબ અભિનંદન! તમે ન માત્ર રાજ્યની જનતા-જનાર્દનની સેવા કરી છે, પરંતુ વિકાસના અમારા એજન્ડાને પણ તેમના સુધી પહોંચાડ્યું છે. આ કારણસર ભાજપને હરિયાણામાં આ ઐતિહાસિક જીત હાંસલ થઇ છે.'
આ પણ વાંચોઃ અગ્નિવીર અને ખેડૂતોની નારાજગી છતાં ભાજપનો ભવ્ય વિજય, આ વ્યૂહનીતિ કામ લાગી