'ભાજપ સાથે સીધી લડાઈમાં નબળી પડે છે કોંગ્રેસ', પરિણામ બાદ ભડક્યાં સાથી પક્ષો, AAPએ કર્યો કટાક્ષ
Haryana Assembly Election : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. અહીં ભાજપે બાજી મારી લીધી છે. ભાજપને બહુમતી મળી છે. પરિણામોને કારણે કોંગ્રેસ શંકાના દાયરામાં આવી ગઈ છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું, કે આ વખતે કોંગ્રેસ સત્તામાં વાપસી કરશે. એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસની જીત જોવા મળી હતી. પરંતુ તે પરિણામોમાં પાછળ રહી ગઈ છે. હરિયાણામાં ભાજપને શાનદાર જીત અને કોંગ્રેસને હાર મળી છે. ત્યારથી રાજકીય નેતાઓના નિવેદન આવી રહ્યા છે. ત્યારે શિવસેના યુબીટી નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપને અભિનંદન આપ્યા અને કોંગ્રેસને સલાહ આપી. તો આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ હરિયાણામાં કોંગ્રેસની હાર પર કટાક્ષ કર્યો છે. તેમણે ઈશારામાં કહ્યું કે, આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ચૂંટણી ના લડવાના કારણે નુકસાન થયું છે.
હરિયાણાના પરિણામો પર આપ સાંસદનો કટાક્ષ
રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'હમારી આરઝૂ કી ફિક્ર કરતે તો કુછ ઓર બાત હોતી, હમારી હસરત કા ખ્યાલ રખતે તો એક અલગ શામ હોતી. આજ વો ભી પછતા રહા હોગા મેરા સાથ છોડકર, અગર સાથ-સાથ ચલતે તો કુછ ઓર બાત હોતી.'
ભાજપ સાથે સીધી લડાઈમાં નબળી પડે છે કોંગ્રેસ : UTB નેતા
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, 'જે રીતે તે ચાલી રહ્યું છે તે સ્પષ્ટ છે કે આટલા વિરોધ છતાં જો ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે, તો હું સૌ પહેલા તેમને અભિનંદન આપવા માંગુ છું. તેઓ અભિનંદનને પાત્ર છે કે તેમણે ચૂંટણી સારી રીતે લડી અને જનતાનો વિશ્વાસ જીત્યો. અહીં કોંગ્રેસની રણનીતિ જોવી પડશે કે જ્યારે પણ ભાજપ સાથે સીધો મુકાબલો થાય છે ત્યારે કોંગ્રેસ નબળી પડી જાય છે, તો આ વખતે ફરીથી તેઓએ કામ કરવું જોઈએ કે આવું કેમ છે?'
આ પણ વાંચો : 'કોંગ્રેસે પોતાના સહયોગીઓની પણ નાવ ડૂબાવી દીધી', PM મોદીના પ્રહાર
જયરામ રમેશના ટ્વીટ પર પણ વાત કરી
આ ઉપરાંત જયરામ રમેશના “ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે” ટ્વીટ પર તેમણે કહ્યું કે, દેખીતી રીતે તેમને કોઈ એવો રિપોર્ટ મળતો હશે અને અને મતગણતરી પણ ખૂબ ધીમી ચાલી રહી છે. અને જો ખરેખર આ પ્રકારનું દબાણ ઊભું થતું હોય તો, ક્યાંકને ક્યાંક ચૂંટણી કમિશનનું મશીન છે, જેને એક સ્વતંત્ર અને નિર્ભય ચૂંટણી પ્રક્રિયા ગણવામાં આવે છે. હવે જે પણ થશે તે પ્રકાશમાં આવશે.
મહારાષ્ટ્રની ચૂંટણી અંગે પણ વાત કરી હતી
આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી અંગે વાત કરતાં કહ્યું કે, "મહારાષ્ટ્રની ચૂંટણી એવા મુદ્દાઓ પર થઈ રહી છે, જે હરિયાણાથી ખૂબ જ અલગ છે. તમે રાજ્ય સ્તરની બે પાર્ટીઓને તોડવાનું કામ કર્યું અને પરિવારને તોડ્યો છે. તમે સત્તા મેળવવા માટે પરિવારોમાં તિરાડ ઉભી કરી છે. તમે ચૂંટણી પંચનો દુરુપયોગ કર્યો. તમે કાયદાનો દુરુપયોગ કર્યો છે. જો તમે લોકશાહીના મૂળ પાયાનો નાશ કર્યો છે, તો તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. કેન્દ્ર તરફથી જે ટેકો મળવો જોઈએ. તે શોધી શકતા નથી. પીએમ વારંવાર તે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી રહ્યા છે જે 6 મહિના પહેલા કરવામાં આવ્યા હતા."
આ પણ વાંચો : અગ્નિવીર અને ખેડૂતોની નારાજગી છતાં ભાજપનો ભવ્ય વિજય, આ વ્યૂહનીતિ કામ લાગી