મોટા નેતાઓમાં CM ઉમેદવાર બનવાની રેસથી કોંગ્રેસને થશે નુકસાન? મોવડી મંડળ નારાજ
Haryana Assembly Election: હરિયાણામાં સરકાર બનાવવા કોંગ્રેસ પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે, પરંતુ પક્ષના દિગ્ગજ નેતાઓ વચ્ચે સીએમ ઉમેદવાર બનવાની હોડ કોંગ્રેસ માટે મોટું પડકાર પૂરવાર થઇ શકે છે. વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજોની આ લડાઇથી પક્ષને થનારા સંભવિત નુકસાનને ધ્યાને લઇ કોંગ્રેસે અત્યાર સુધી કોઇ પણ નેતાને સીએમ પદનો ઉમેદવાર જાહેર કર્યો નથી. પક્ષને આ વાતની ચિંતા છે કે જો હાલ કોઇપણ નેતાને સીએમ પદનો ઉમેદવાર જાહેર કર્યો તો પક્ષને ચૂંટણીમાં મોટું નુકસાન થઇ શકે છે.
મોવડી મંડળ નારાજ
થોડાક દિવસો પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સિરસાથી સાંસદ કુમારી સેલજાએ વિધાનસભા ચૂંટણી લડવાની વાત કરી હતી. સાંસદના આ નિવેદન બાદ પક્ષનો કેન્દ્રીય નેતૃત્વ નારાજ થયો છે. કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વએ સંદેશ આપ્યો છે કે, સાંસદોને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર નહી બનાવવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ હવે કોંગ્રેસને આશા જાગી છે કે તે રાજ્યમાં સરકાર બનાવી શકે છે, પરંતુ પક્ષના નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી બનવાની ઇચ્છાથી ચૂંટણીમાં નુકસાન થવાની સંભાવનાથી મોવડી મંડળે સખત વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચોઃ નહીંતર ગઠબંધન તોડો...: NDAમાં ઘમસાણ વચ્ચે અજીત પવાર જૂથની ચેતવણી, શું કરશે ભાજપ?
સીએમ પદ માટે ત્રણ દાવેદાર
હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાએ થોડાક દિવસો પહેલા સ્પષ્ટ કર્યું હતું કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદો હરિયાણામાં વિધાનસભા ચૂંટણી લડશે નહી ત્યારથી રાજ્યના રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બને તો મુખ્યરૂપે ત્રણ નેતા મુખ્યમંત્રી પદના દાવેદાર છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી સેલજા અને રાજ્યસભા સાંસદ રણજીત સિંહ સુરજેવાલા સામેલ છે.
અગાઉની સરકારમાં મુખ્યમંત્રી હતા હુડ્ડા
2005થી 2014 સુધી હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા આ સરકારમાં મુખ્યમંત્રી હતા. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા હરિયાણા કોંગ્રેસમાં જાટ સમુદાયના સૌથી મોટા નેતા છે. હરિયાણામાં જાટ સમુદાયની વસ્તી 25 ટકા જેટલી છે. રાજ્યના ઘણાં ક્ષેત્રોમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનો ભારે પ્રભાવ છે. આ લોકસભા ચૂંટણીમાં પણ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ તેમના સમર્થકોને ચૂંટણીમાં જીતાડીને કોંગ્રેસ હાઇકમાન્ડને પોતાનું રાજકીય કદ બતાવ્યું છે. કોંગ્રેસ નેતૃત્વ હરિયાણામાં જાટ મતો માટે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના જ ભરોસે છે.
દલિત સમુદાયમાં કુમારી સેલજાનો પ્રભાવ
કુમારી સેલજા ચાર વખત લોકસભા સાંસદ અને એક વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ભારત સરકારમાં મંત્રી અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. કુમારી સેલજા દલિત સમુદાયમાંથી આવે છે અને દલિત સમુદાયને ભાગીદારી આપવાના નામે મુખ્યમંત્રી પદ પર દાવો કરી શકે છે. પક્ષ નેતૃત્વના નિવેદન પછી પણ તેઓએ વિધાનસભા ચૂંટણી લડવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે, તેઓએ કહ્યું છે કે, તેઓ પાર્ટીના નિર્ણયનું પાલન કરશે.
સુરજેવાલા પણ દિગ્ગજ નેતા
હરિયાણામાં રણદીપ સિંહ સુરજેવાલા પણ દિગ્ગજ નેતા છે. તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા શમશેર સિંહ સુરજેવાલા પણ હરિયાણાના દિગ્ગજ નેતા, ધારાસભ્ય અને સાંસદ રહી ચુક્યા છે. સુરજેવાલાએ 1996 અને 2005માં રાજ્યના રાજકારણમાં દિગ્ગજ ઓમપ્રકાશ ચોટાલાને ચૂંટણીમાં મ્હાત આપી હતી. પક્ષના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે પણ તેઓએ પોતાની આગવી ઓળખ બનાવી છે. કર્ણાટકમાં પ્રભારી પદ પર રહી તેઓએ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં વિશાળ વિજય અપાવ્યો હતો.
કોંગ્રેસ કયા મુદ્દાઓ પર લડી રહી છે ચૂંટણી
હરિયાણામાં કોંગ્રેસને સરકાર બનાવવાની આશા છે. કોંગ્રેસનો દાવો છે કે હરિયાણામાં ખેડૂતો ભાજપ સરકારથી નારાજ છે. આ ઉપરાંત મહિલા કુસ્તિબાજોના જાતિય શોષણના આરોપોને પણ કોંગ્રેસે ભારે મુદ્દો બનાવ્યો છે. અગ્નિવીર યોજના, મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બનાવી કોંગ્રેસ રાજ્યમાં ચૂંટણી લડી રહી છે. જો કે, પક્ષમાં આંતરિક મતભેદ થાય તો કોંગ્રેસને ભારે ઝટકો પડી શકે છે માટે પક્ષનો નેતૃત્વ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરી પક્ષમાં એકતા વધારવા પર જોર આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.