PM મોદીએ ફોન પણ ન કર્યો અને પીટી ઉષા પણ ખોટું બોલ્યા? વિનેશ ફોગાટનો ચોંકાવનારો ખુલાસો
Haryana Assembly Election: કુશ્તીબાજ ખેલાડીમાંથી રાજકારણમાં ઝંપલાવનારા વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં તેમણે એક મીડિયા એજન્સીને જણાવ્યું કે, 'ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઇ થયા બાદ પીએમ મોદીએ તેમને ફોન કર્યો નહોતો અને પીટી ઉષા પણ ખોટું બોલ્યા હતા.' વિનેશ ફોગાટના આ દાવા બાદ હરિયાણામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
શું બોલ્યા વિનેશ ફોગાટ?
તાજેતરમાં મીડિયા સાથે વાતચીત કરતાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે, 'મેડલ આવે છે ત્યારે બધા ફોટા પડાવે છે. જ્યાં સુધી હું ફાઇનલમાં પહોંચી નહોતી, ત્યાં સુધી મને કોઈ ફોન આવ્યો નહોતો. જો તેમનામાં સાચે જ લાગણી હોત તો તેઓ સોશિયલ મીડિયામાં પ્રચાર કરવાને બદલે એક ફોન કરીને કહેતા કે, બેટા અમે તમારી સાથે છીએ તો એ મારા માટે ખૂબ મોટી વાત હોત.'
પીટી ઉષા પર કર્યો પ્રહાર
આ દરમિયાન પીટી ઉષા પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, 'અમે બાળપણથી તેમની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ, પરંતુ હવે તેઓ પણ પોતાની જવાબદારી ભૂલી ભાજપને બચાવવામાં લાગી ગયા છે. એક ખેલાડી તરીકે પીટી ઉષા કે મેરી કોમ તરફથી મને કોઈ સમર્થન મળ્યું નહોતું. જ્યારે હું હૉસ્પિટલમાં બેડ પર હતી ત્યારે હું લગભગ બેભાન હતી. મને ગ્લુકોઝ ચઢાવવામાં આવી રહ્યા હતા, જેથી હું ઝડપથી રિકવર થઈ શકું. એ સમયે પીટી ઉષા મારી મંજૂરી વગર ફોટા લઈ રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહી રહ્યા હતા કે, બધું યોગ્ય છે, જ્યારે ત્યાં કંઈ પણ યોગ્ય નહોતું.'
લોકોની માંગ પર રાજકારણમાં પ્રવેશ કર્યો
વિનેશ ફોગાટે કહ્યું કે, ઓલિમ્પિક બાદ મેં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો. હું જેટલા પણ લોકોને મળી એ બધાની માંગ હતી કે અમારા બાળકો માટે તમારે રાજકારણમાં આવવું જ પડશે. લોકોએ કહ્યું કે જે તમારી સાથે થયું એ અમારા બાળકો સાથે ન થાય એ માટે તમારે આગળ આવવું જ પડશે.'
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાયુતિનો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે? એકનાથ શિંદેના નિવેદને ચોંકાવ્યા
અપમાન સિવાય કંઈ ના મળ્યુંઃ વિનેશ
વધુમાં તેમણે કહ્યું કે, 'અમે રસ્તાઓ પર લડાઈ લડી, પરંતુ અમને દુર્વ્યવહાર અને અપમાન સિવાય કંઈ ના મળ્યું. હું ઓલિમ્પિકમાં પણ ગઈ, પરંતુ મને ક્યારેય ન્યાય ન મળ્યો. રાજકારણમાં પ્રવેશ કરવો એ મારા માટે વિકલ્પ નહીં પરંતુ જરૂરિયાત હતી. મેં પાર્ટી પાસે કોઈ પણ બેઠક પરથી ટિકિટ માંગી નહોતી, પરંતુ આ પાર્ટીનો નિર્ણય હતો. પાર્ટીને જ્યાંથી યોગ્ય લાગ્યું ત્યાંથી મને ટિકિટ આપી. એક મારી જન્મભૂમિ છે અને બીજી મારી કર્મભૂમિ છે. જુલાનાની સાથે સાથે અમે સમગ્ર હરિયાણા માટે કામ કરીશું. મેં અત્યાર સુધી દેશના લોકોને સ્પોર્ટ્સના માધ્યમથી પ્રેરિત કર્યા છે અને હવે રાજકારણના માધ્યમથી લોકોને પ્રેરિત કરીશ.'