કેન્દ્રીય મંત્રીનો ભત્રીજો કોંગ્રેસમાં જોડાયો: હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો
Haryana Assembly Election: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટી રાજકીય હિલચાલ જોવા મળી રહી છે. હરિયાણામાં ભાજપ પહેલાથી જ સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. આ વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા મનોહર લાલ ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. રાજ્યમાં ભલે અત્યારે નાયબ સિંહ સૈની સીએમ છે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ હજુ પણ હરિયાણાના રાજકારણમાં ભારે દબદબો ધરાવે છે. આ સ્થિતિમાં તેમના ભત્રીજાનો કોંગ્રેસમાં સામેલ થવું ભાજપ માટે મોટા ઝટકા સમાન છે.
રમિત ખટ્ટરનો ગુનાહિત ઇતિહાસ
રમિત ખટ્ટર પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરના ભાઇ જગદીશના પુત્ર છે. 2020માં એક ડિવિઝનલ ફોરેસ્ટ અધિકારી સાથે મારપીટ કરવાના મામલામાં રમિતનો પણ નામ સામે આવ્યો હતો. ઉપરાંત આ મામલે તેમની વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. તે વખતે મનોહર લાલ રાજ્યના સીએમ હતા. જો કે, રમિતે તે બાબતે કહ્યું હતું કે, 'હું વેપારી છું, આ ઘટનાને એ રૂપે ન જોવું જોઇએ કે હું સીએમનો ભત્રીજો છું. હું તો ચંડીગઢ જઇ રહ્યો હતો, પરંતુ મિત્રના કહેવા પર હું ફક્ત તેની સાથે વન વિભાગની ઓફિસમાં ગયો હતો.'
હરિયાણામાં મનોહર લાલનો પ્રભાવ
નોંધનીય છે કે, મનોહર લાલ ખટ્ટરનો હરિયાણાના પંજાબી સમુદાયના લોકો વચ્ચે સારો પ્રભાવ માનવામાં આવે છે. તેઓ કરનાલ બેઠકથી લોકસભા સાંસદ પણ છે, જ્યાં પંજાબી વર્ગની મોટી વસ્તી વસે છે. આ ઉપરાંત અંબાલા, કુરુક્ષેત્ર અને યમુનાનગરમાં પણ મનોહર લાલ ખટ્ટરનો ભારે દબદબો જોવા મળે છે. હાલ હરિયાણામાં ભાજપ આંતરિક અસંતોષ અને સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મનોહર લાલ જેવા દિગ્ગજ નેતાઓ ભાજપ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ભાજપમાં આંતરિક અસંતોષ
ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદથી જ અનેક જિલ્લાઓમાં પાર્ટીના જૂના નેતાઓ નારાજ પાર્ટીથી નારાજ થયા હતા. ત્યાર બાદ એક પછી એક ઘણાં દિગ્ગજ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામાં આપ્યા હતા. જેમાં પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ PM મોદીનું જુઠ્ઠાણું! OBC અનામત અંગેના 'ગપ્પા' ની સોશિયલ મીડિયા પર ભારે મજાક ઊડી
હરિયાણામાં ભાજપ વિરોધી લહેર
હરિયાણામાં પાંચ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીં 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ભાજપ હવે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. જાતિ અને અનામતના મુદ્દા ભાજપ માટે મોટા પડકાર બની ગયા છે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ પાસે રાજ્યમાં હવે કોઇ મજબૂત સહયોગી નથી છે. આ ઉપરાંત કેટલાક દિગ્ગજોએ પાર્ટીનો સાથ છોડતા હરિયાણા ભાજપમાં સિનિયર નેતાઓની ભારે અછત પણ વર્તાઇ રહી છે.
હરિયાણામાં ક્યારે થશે ચૂંટણી?
હરિયાણામાં પાંચ ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.