હરિયાણામાં કોંગ્રેસની હારના પાંચ મુખ્ય કારણ, નેતાઓએ રાહુલ ગાંધીની આ વાત ના માની!
Haryana Assembly Election: હરિયાણામાં ભાજપ સામે અનેક પડકારો હોવા છતા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ હતી. ભાજપે એક્ઝિટ પોલથી ઉલટ પરિણામ આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે. હવે રાજકીય નિષ્ણાતો આ બાબતે ચર્ચા કરી રહ્યા છે કે હરિયાણામાં મજબૂત સ્થિતિ હોવા છતા કોંગ્રેસ કેમ હારી ગઇ? આ દરમિયાન નિષ્ણાતોએ કોંગ્રેસની હાર માટે જવાબદાર આંતરિક મતભેદ, રાહુલ ગાંધીની ઇચ્છા વિરૂદ્ધનો નિર્ણય સહિતના પાંચ મોટા કારણો જણાવ્યા છે.
પ્રદેશ નેતૃત્વએ રાહુલ ગાંધીની વાત ના માની
હરિયાણા પ્રદેશ કોંગ્રેસના પીઢ નેતૃત્વએ રાહુલ ગાંધીની આપ સાથે ગઠબંધનની વાત ના માની મોટી ભૂલ કરી હતી. રાજ્યમાં સાત બેઠકો એવી હતી જ્યાં આપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારોની હારના માર્જિનથી વધુ મત મળ્યા હતા. આવી સ્થિતિમાં જો રાજ્યમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન હોત તો કોંગ્રેસને સાત બેઠકો પર લાભ મળી શક્યું હોત અને ચૂંટણીના અંતિમ પરિણામોમાં મોટું ઉલટફેર જોવા મળ્યું હોત.
આંતરિક મતભેદથી નુકસાન થયું
લોકસભા ચૂંટણીમાં રાજ્યની 10માંથી પાંચ બેઠક જીતનારી કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં વિખેરાઇ ગઇ હતી. રાજ્યમાં ટિકિટ વહેંચણીમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું ભારે વર્ચસ્વ હતું જેના કારણે સિરસાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી શૈલજા અને રાજ્યસભા સાંસદ રણદીપ સૂરજેવાલા નારાજ થઇ ગયા હતા. સુરજેવાલા ચૂંટણી પ્રચારમાં માત્ર પોતાના દિકરાને ચૂંટણી જીતાડવા મહેનત કરતા દેખાયા હતા, જ્યારે શૈલજા ચૂંટણી પ્રચારમાં ઘણાં દિવસો સુધી જોડાયા નહોતા.
જૂથવાદ અને બળવાખોરોએ નુકસાન પહોંચાડ્યું
પ્રદેશ કોંગ્રેસમાં જૂથવાદના કારણે પાછલા 15 વર્ષોથી મતદાન બૂથ સ્તરે અને જિલ્લા સ્તરે સંગઠનની ઉણપ વર્તાઇ રહી છે. પાછલા 15 વર્ષોથી પ્રદેશ નેતૃત્વ નાના પાયે સંગઠનો રચવાનું પ્રયાસ કરી રહ્યું છે પરંતુ દિગ્ગજ નેતાઓ જૂથવાદ કરતા હોવાથી ક્યારેય જિલ્લા સ્તરે સંગઠનો રચાયા નથી. આ ઉપરાંત હરિયાણામાં આશરે 12 બેઠકો એવી છે, જ્યાં બળવાખોરોના કારણે કોંગ્રેસની હાર થઇ હતી.
આ પણ વાંચોઃ ભાજપની હેટ્રિકના સાઇલન્ટ હીરો, હરિયાણામાં સંભાળી હતી કમાન, મમતાને હરાવી હતી
જાટ સમુદાયનો મુદ્દો
રાજકીય નિષ્ણાતોના મતે, હરિયાણામાં જાટ સમુદાય વિરૂદ્ધ અન્ય 35 સમુદાયના વોટોનું ધ્રુવીકરણ કરી ભાજપે મોટો લાભ મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસે માત્ર જાટ સમુદાય પર વધું ધ્યાન કેન્દ્રીત કરતા તેમજ ટિકિટ વહેંચણી જેવા મુદ્દાને કારણે કોંગ્રેસને મોટું નુકસાન થયું હતું.
દલિત વોટ ના મળ્યા
કુમારી શેલજા અને મતદાનના એક દિવસ પહેલાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા દિગ્ગજ નેતા અશોક તંવર બંને દલિત સમુદાયમાંથી આવે છે અને રાજ્યના મોટા દલિત નેતા માનવામાં આવે છે, પરંતુ કુમારી શેલજાની કોંગ્રેસ સામે નારાજગી અને અશોક તંવરનું મતદાનના એક દિવસ પહેલાં કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને દલિત મતોનું લાભ મળ્યું નહોતું. આ કારણો હરિયાણામાં કોંગ્રેસની હાર પાછળના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે.