ટિકિટ નહીં આપો તો કોંગ્રેસમાં જતો રહીશ: ભાજપમાં ભડકાના એંધાણ, દિગ્ગજ નેતાએ આપી ચેતવણી
Image: IANS |
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું છે. હાલમાં જ પૂર્વ મંત્રી રાવ નરબીર સિંહે દાવો કર્યો છે કે, જો તેમને ટિકિટ આપવામાં નહીં આવે, તો તે કોંગ્રેસનો હાથ પકડશે. તેઓ રાજ્યની હાઈપ્રોફાઈલ બેઠક બાદશાહપુરમાંથી ટિકિટની માગ કરી રહ્યા છે. આ બેઠક પર વરિષ્ઠ નેતા સુધા યાદવથી માંડી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના પૂર્વ ઓએસડી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંહે સ્પષ્ટતા કરી છે કે, હું આ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે. વર્ષ 2019માં મને ટિકિટ આપી ન હતી. આ વખતે અપક્ષ ઉમેદવાર બની ચૂંટણી નહીં લડું. મેદાનમાં માત્ર બે જ પક્ષ છે, જો ભાજપે મને ટિકિટ ન આપી તો, હું કોંગ્રેસમાં સામેલ થઈ જઈશ. બાદશાહપુર વિધાનસભા બેઠકમાંથી હું જ જીતનાર ઉમેદવાર છે.
બાદશાહપુર બેઠક
પૂર્વ સાંસદ સુધા યાદવે વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બાદશાહપુર બેઠકમાંથી તે ચૂંટણી લડવા માગે છે. એવામાં નરબીરસિંહને ટિકિટ મળવાની સંભાવનાઓ ઓછી છે. જો કે, અત્યારસુધી પક્ષે ટિકિટની જાહેરાત કરી નથી. તદુપરાંત ગુરૂગ્રામ સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાવ ઈન્દરજીતસિંહ પણ બાદશાહપુર અને અહિરવાલની ટિકિટ પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ હરિયાણામાં AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની તૈયારીમાં રાહુલ ગાંધી? ભાજપની વધશે ચિંતા
વર્ષ 2019માં હારનો સામનો કરનાર મનીષ યાદવ પણ ટિકિટની શોધમાં છે. ખટ્ટરના પૂર્વ ઓએસડી જવાહર યાદવ પણ અહીં એક્ટિવ થયા છે. તદુપરાંત ભાજપના જિલ્લાધ્યક્ષ કમલ યાદવે પણ ઉમેદવારી માટે દાવો કર્યો છે. જો કે, જવાહરલાલે સ્પષ્ટતા કરી છે કે, તે પક્ષની વિચારધારાની સાથે કામ કરતાં રહેશે.
કેમ બાદશાહપુરની બેઠક મહત્ત્વની?
મતદાતાઓની સંખ્યાની તુલનાએ આ બેઠક રાજ્યની સૌથી મોટી બેઠક છે. ગુડગાંવ લોકસભા ક્ષેત્ર હેઠળની નવ બેઠકોમાંથી એક બાદશાહપુર સેગમેન્ટમાં 4.5 લાખ મતદારો છે. ભાજપના અંદાજ પ્રમાણે, બાદશાહપુરમાં આશરે 1.25 લાખ અહિર (યાદવ), 60 હજાર જાટ, 50 હજાર અનુસૂચિત જાતિ, 35 હજાર બ્રાહ્મણ, અને 30 હજાર પંજાબી છે. તેમજ ગુજ્જર, રાજપુત અને મુસ્લિમ મતદારો પણ છે.